MCD Election: દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીનો રસ્તો સાફ, સીમાંકનનું કામ પૂર્ણ થતા જાહેરનામું બહાર પડાયુ
દિલ્હી MCDમાં વોર્ડની સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવામાં આવી છે. જેમાંથી 42 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(Delhi Municiple Corporation)ની ચૂંટણી માટે રસ્તો સાફ થઈ ગયો છે. MCDમાં વોર્ડ સીમાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. MCDમાં વોર્ડની સંખ્યા 272 થી ઘટાડીને 250 કરવામાં આવી છે. જેમાંથી 42 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે દિલ્હીનું રાજ્ય ચૂંટણી પંચ (Delhi Election Commission)મહિલાઓ અને અનુસૂચિત જાતિના લોકો માટે બેઠકો ચિહ્નિત કરીને જાહેરનામું બહાર પાડશે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે, પહેલા દિલ્હી MCDમાં કુલ સીટોની સંખ્યા 272 હતી. સીમાંકન બાદ કુલ 22 બેઠકો ઘટી છે. તે મુજબ હવે સીટોની સંખ્યા ઘટાડીને 250 કરી દેવામાં આવી છે. આ સીમાંકન 2011ની વસ્તી ગણતરીના આધારે કરવામાં આવ્યું છે. અગાઉ કેન્દ્રની મોદી સરકારે ત્રણેય મહાનગરપાલિકાઓને એકીકૃત કરવાનો નિર્ણય લીધો હતો. હવે સીમાંકન બાદ પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાશે. કેન્દ્ર સરકાર દ્વારા વોર્ડ સીમાંકનનું 800 પાનાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 25 ઓગસ્ટના રોજ સીમાંકન સમિતિએ કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ સીમાંકન રિપોર્ટ સુપરત કર્યો હતો. 12 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધીના ડ્રાફ્ટ સીમાંકન રિપોર્ટ પર સૂચનો અને ફરિયાદો માંગવામાં આવી હતી.
દિલ્હી MCD ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ભાજપ પર ચૂંટણી સ્થગિત કરવાનો આરોપ લગાવ્યો હતો. સીમાંકન કાર્ય પૂર્ણ થયા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને MCD પ્રભારી દુર્ગેશ પાઠકે કહ્યું કે છેલ્લા 17 વર્ષથી MCDમાં ભાજપનું શાસન છે. ભાજપે દિલ્હીની જનતાને માત્ર દુઃખ આપવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. હવે દિલ્હીને સ્વચ્છ બનાવવાનો સમય આવી ગયો છે. દિલ્હીને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવી જોઈએ. દિલ્હીને સુંદર બનાવવી જોઈએ. આ માટે આમ આદમી પાર્ટીને મત આપો, કારણ કે ભાજપે પહેલેથી જ સ્વીકારી લીધું છે કે તે જીતી શકશે નહીં. જે હારી રહ્યો છે તેને વોટ આપીને તમારો મત બગાડો નહીં.
AAP ધારાસભ્ય દુર્ગેશ પાઠકે કહ્યું કે માર્ચમાં ભાજપે કહ્યું હતું કે અમે ત્રણેય MCDને એક કરવા માંગીએ છીએ. અમે કહ્યું કે ચૂંટણી પછી પણ થઈ શકે છે, તેથી તેઓએ કહ્યું કે અમે ચૂંટણી અટકાવ્યા પછી જ એકીકરણ કરીશું. તેમને લાગ્યું કે કદાચ 5-6 મહિનામાં કંઈક બદલાવ આવશે, પરંતુ સ્થિતિ સતત બગડતી રહી.