મહાદેવ સટ્ટા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરને દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. ઇડીની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આના પર કાર્યવાહી કરવામાં આવી હતી. UAEના અધિકારીઓએ સૌરભ ચંદ્રાકરની અટકાયત અંગે ભારત સરકાર અને CBIને જાણ કરી હતી.
ટીવી9 હિન્દીના અહેવાલ અનુસાર સૌરભ ચંદ્રાકરની અટકાયતના સમાચાર બાદ પ્રત્યાર્પણ પ્રક્રિયા તેજ થઈ ગઈ છે અને સૌરભ ચંદ્રાકરને ટૂંક સમયમાં ભારત લાવવાની તૈયારીઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ, મહાદેવ સટ્ટા એપના માસ્ટરમાઇન્ડને આગામી 10 દિવસમાં ભારત લાવવામાં આવી શકે છે.
માસ્ટરમાઈન્ડ સૌરભ ચંદ્રકરે આ એપ દુબઈથી ઓપરેટ કરી હતી અને એપ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી મળ્યા બાદ ડિસેમ્બર 2023માં UAEમાં તેની અટકાયત કરવામાં આવી હતી. સૌરભ ચંદ્રાકરને વર્ષ 2023માં EDની કાર્યવાહી પર દુબઈમાં પોલીસે અટકાયતમાં લીધો હતો. EDના સૂત્રોનું કહેવું છે કે હવે લગભગ તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 10 દિવસમાં તેને ભારત મોકલી દેવામાં આવશે. આ પછી તેને ભારતમાં તેની સામે નોંધાયેલા કેસની કાર્યવાહી ચાલશે અને કાયદા મુજબ કોર્ટ સજા ફટકારશે.
મહાદેવ સટ્ટા એપ દુબઈથી ઓપરેટ થતી સટ્ટાબાજીની એપ હતી. લોકોને સટ્ટાબાજી દ્વારા પૈસા કમાવવાની લાલચ આપીને નવા વપરાશકર્તાઓ ઉમેરવામાં આવ્યા હતા. આ એપ પર અનેક પ્રકારની ગેમ છે અને તેના પર પૈસાનું રોકાણ કરવામાં આવે છે. EOW (આર્થિક ગુના વિંગ) દ્વારા રજૂ કરાયેલ ચાર્જશીટ મુજબ, મહાદેવ સટ્ટા એપ દ્વારા દર મહિને 450 કરોડ રૂપિયાની કમાણી કરવામાં આવી છે. મહાદેવ સટ્ટા એપ સાથે જોડાયેલા કેસમાં અભિનેતા સાહિલ ખાનની પણ પુછપરછ કરવામાં આવી હતી.
આ એપ્લીકેશન દ્વારા અનેક પ્રકારની ગેરકાયદેસર ગતિવિધિઓ કરવામાં આવી હતી, જે બાદ તે ઘણા વિવાદોમાં રહી છે. ગયા વર્ષે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારે આ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે યુઝર્સને અનેક પ્રકારની ગેમ પર ઓનલાઈન સટ્ટો લગાવવાનું પ્લેટફોર્મ પૂરુ પાડે છે, આરોપો અનુસાર, યુઝર્સ ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ ગેમ્સ સહીતની મની લોન્ડરિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ દરમિયાન આ એપ પર સટ્ટો લગાવતા હતા.
Published On - 2:15 pm, Fri, 11 October 24