Manipur Violence: મણિપુરમાં સ્થિતિ વણસી રહી છે, ભાજપના સહયોગી NPP એ કહ્યુ- ગઠબંધન પર વિચાર કરવો પડશે
NPP મણિપુરમાં 60 સીટોની વિધાનસભામાં 7 ધારાસભ્યો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, NPPએ સત્તાધારી પક્ષ ભાજપ સામે ચૂંટણી લડી હતી, જો કે, બાદમાં 7 ધારાસભ્યોએ બિરેન સિંહ સરકારને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.
Manipur Violence: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજ્યની સત્તાધારી પાર્ટી બીજેપીના (BJP) પોતાના સાથી પક્ષો હવે સરકારની કામગીરી અને નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. મણિપુરમાં ભાજપના સહયોગી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ સ્પષ્ટપણે કહ્યું છે કે જો રાજ્યમાં એન બિરેન સિંહ સરકાર સુરક્ષા અને શાંતિ સ્થાપિત કરવામાં સક્ષમ નથી, તો ગઠબંધનમાં રહેવાનો કોઈ અર્થ નથી.
વિધાનસભામાં 7 ધારાસભ્યો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી
NPPના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સીએમ યુમનામ જોયકુમારે કહ્યું છે કે, જો રાજ્યમાં આ સ્થિતિ ચાલુ રહેશે તો તેમની પાર્ટીને વર્તમાન સરકાર સાથેના તેના સમીકરણો પર પુનર્વિચાર કરવાની ફરજ પડશે. હાલમાં જ કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.
NPP મણિપુરમાં 60 સીટોની વિધાનસભામાં 7 ધારાસભ્યો સાથે બીજા નંબરની સૌથી મોટી પાર્ટી છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, NPPએ સત્તાધારી પક્ષ ભાજપ સામે ચૂંટણી લડી હતી, જો કે, બાદમાં 7 ધારાસભ્યોએ બિરેન સિંહ સરકારને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો.
સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે: પૂર્વ ડેપ્યુટી સીએમ
ભાજપ સાથેના ગઠબંધનના સવાલ પર પૂર્વ ડેપ્યુટી સીએમએ કહ્યું કે, રાજ્યમાં હિંસા શરૂ થયાને લગભગ દોઢ મહિનો થઈ ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ તેમના વતી આપવામાં આવેલા ગાઈડલાઈન છતાં સ્થિતિ વણસી રહી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની જવાબદારી છે કે તે પોતાના લોકોની સારી સંભાળ રાખે.
આ પણ વાંચો : Heat Wave: UP-બિહાર બાદ ઓડિશામાં પણ હાહાકાર, લૂ લાગવાથી 20 લોકોના મોત
શાંતિની ખાતરી ન કરવી એ સરકારની નિષ્ફળતા ગણાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર પોતાના લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં અને રાજ્યમાં શાંતિની ખાતરી કરવા સક્ષમ ન હોય તો તે તેમની નિષ્ફળતા ગણાશે અને જો તેઓ નિષ્ફળ જશે તો તેમની સાથે રહેવા માટે કોઈ અર્થ નથી. એનપીપી સરકારનો ભાગ હોવાને કારણે, અમારી પણ જવાબદારી છે. આવી સ્થિતિમાં અમે ચૂપચાપ બેસી ન શકીએ.
અનેક મોત અને હિંસાની ઘટનાઓ વચ્ચે રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવી સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે. દરમિયાન, ઓલ આસામ મણિપુરી યુથ એસોસિએશન (AAMYA) એ 23 જૂનથી નેશનલ હાઈવે 54 પર અનિશ્ચિત સમય માટે આર્થિક નાકાબંધીની જાહેરાત કરી છે. આ હાઇવે આસામ અને મિઝોરમને કછાર સાથે જોડે છે.