Manipur Violence: પીએમ મોદીએ અમેરિકાથી પરત ફરતાની સાથે જ મણિપુરને લઈ મોરચો સંભાળ્યો, ખડગેએ કહ્યું- પહેલા મુખ્યમંત્રીને હટાવો
રવિવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોમવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ગૃહમંત્રીએ વડાપ્રધાનને હિંસા પ્રભાવિત રાજ્યની તાજેતરની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા.
Manipur Violence: અમેરિકા અને ઈજિપ્તનો પ્રવાસ પૂર્ણ કરીને ભારત પરત ફરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મણિપુર હિંસા અંગે મોરચો સંભાળ્યો છે. રવિવારે મોડી રાત્રે દિલ્હી પહોંચ્યા બાદ પીએમ મોદીએ સોમવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ગૃહમંત્રીએ વડાપ્રધાનને હિંસા પ્રભાવિત રાજ્યની તાજેતરની સ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરના સીએમ એન બિરેન સિંહને બરતરફ કરવાની માંગ કરી છે.
રવિવારે મણિપુરના મુખ્યમંત્રી દિલ્હીમાં અમિત શાહને મળ્યા હતા
PM મોદી અને અમિત શાહ વચ્ચેની મુલાકાતના એક દિવસ પહેલા એટલે કે રવિવારે મણિપુરના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેઓ ગૃહમંત્રીને મળ્યા હતા અને રાજ્યની તાજેતરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. એન બિરેન સિંહે ટ્વિટમાં લખ્યું, નવી દિલ્હીમાં ગૃહમંત્રીને મળ્યા અને મણિપુરની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. 13 જૂનથી રાજ્યમાં હિંસાને કારણે કોઈનું મોત થયું નથી.
મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું
પીએમ મોદી અને અમિત શાહ વચ્ચેની મુલાકાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, એવા સમાચાર છે કે ગૃહમંત્રીએ મણિપુર હિંસા અંગે પીએમ મોદી સાથે વાત કરી છે. છેલ્લા 55 દિવસથી હિંસા ચાલી રહી છે અને પીએમે એક શબ્દ પણ બોલ્યો નથી જ્યારે આખો દેશ તેમની વાત સાંભળવાની રાહ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો વડાપ્રધાન ખરેખર મણિપુર વિશે કંઈ વિચારતા હોય તો તેમણે આ મામલે તમામ પક્ષો સાથે વાતચીત શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો : Bengal Panchayat Election 2023: બંગાળમાં ભાજપ સત્તામાં આવશે તો મહિલાઓને દર મહિને 2000 રૂપિયા
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ ટ્વીટ કરીને પ્રહાર કર્યા
એક ટ્વીટમાં ખડગેએ વડાપ્રધાનને મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહને હટાવવાની માગ કરી છે. સુરક્ષા દળોની મદદથી નાકાબંધી દૂર કરવી જોઈએ અને હાઈવે ખોલીને રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી જોઈએ. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષે હિંસા પીડિતો માટે રાહત પેકેજની જાહેરાત કરવાની પણ માગ કરી છે. આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ હિંસા અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના નેતાઓએ પણ ભાગ લીધો હતો.