મંગળવારે ઉત્તરાખંડના રૂદ્રપુરમાં જનસભા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. વડાપ્રધાન મોદીની આ ઉત્તરાખંડમાં પહેલી ચૂંટણી રેલી હતી. આ રોડ શોમાં વડાપ્રધાનના કાફલામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડની બંને તરફ લાંબી લાઈનો જોવા મળી હતી. લોકો મોદી મોદીના નારા લગાવી રહ્યા હતા. વડાપ્રધાન તેમના સમર્થકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા.
ચૂંટણી જનસભાની સાથે વડાપ્રધાન મોદીનો આ પહેલો રોડ શો હતો. વડાપ્રધાનના રોડ શોનો આ સિલસિલો અનેક લોકસભા મતવિસ્તારોમાં ચાલુ રહેવાનો છે. ઉત્તર પ્રદેશના મેરઠ બાદ હવે સહારનપુર, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં વડાપ્રધાનની રેલી અને રોડ શો કરવા જઈ રહ્યા છે.
રુદ્રપુરમાં વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર પર જોરદાર પ્રહારો કર્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવીએ છીએ પરંતુ અમારા વિરોધીઓ ભ્રષ્ટાચારને બચાવવા માંગે છે. વડાપ્રધાને કહ્યું કે ભાજપ સરકારમાં ભ્રષ્ટાચારને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો ચાલુ રહેશે.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન ઉત્તરાખંડના લોકોને વચન આપ્યું હતું કે તેમનું સપનું પૂરું કરવા માટે ટૂંક સમયમાં કામ કરવામાં આવશે. તેમને કહ્યું કે અમારી સરકાર સમગ્ર દેશમાં વીજળીને લગતા મોટા સુધારાની યોજના પર કામ કરી રહી છે. ગરીબોને મફતમાં વીજળી મળશે અને જરૂર પડશે તો તેઓ જાતે જ વીજળીનું ઉત્પાદન કરશે અને પૈસાની પણ કમાણી કરી શકશે.
વડાપ્રધાન મોદીએ લોકોને પ્રોત્સાહિત કરતા કહ્યું કે ભલે ખૂબ ગરમી હોય પરંતુ પહેલા વોટિંગ કરો અને પછી જલપાન કરો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં આટલી ઝડપી ગતિએ કામ થયું છે જે પહેલા ક્યારેય થયું નથી.
આ પણ વાંચો: ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચારીઓ પર વધુ આકરા પ્રહારો, મફત વીજળીની યોજના અંગે ઉત્તરાખંડને મોદીનું વચન
દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:57 pm, Tue, 2 April 24