કેન્દ્રીય મંત્રીના દીકરા પર લખીમપુર હિંસા કેસમાં આ કલમ હેઠળ કાર્યવાહી નક્કી, જાણો કેટલા વર્ષની થશે સજા
હત્યાના આરોપીઓ વિરુદ્વ કાયદાની કલમો વધારવા માટે SITના તપાસ અધિકારીઓએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી અપાતા આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓની મુશ્કેલી વધી છે.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી ઘટના આજે પણ આખા દેશને યાદ છે. આ જ કેસને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લખીમપુર ખીરી હિંસા મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકો પર હત્યાના આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ હિંસા સમયે મૃત્યુ પામેલા ખેડૂતોના કેસમાં આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્વ પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી કરીને આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ કેસમાં 16 ડિસેમ્બરથી ટ્રાયલ શરુ થશે. આ હત્યાના કેસમાં CJM કોર્ટ દ્વારા આશીષ મિશ્રા પર કલમ 302, 307 અને 147 અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસમાં તપાસ માટે બનાવવામાં આવેલી SIT દ્વારા આ હિંસાને ષડયંત્ર ગણાવવામાં આવ્યુ છે. આ હત્યાના આરોપીઓ વિરુદ્વ કાયદાની કલમો વધારવા માટે SITના તપાસ અધિકારીઓએ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને કોર્ટ દ્વારા મંજૂરી અપાતા આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓની મુશ્કેલી વધી છે.
16 ડિસેમ્બરથી ટ્રાયલ શરુ થશે
#JustIn | Lakhimpur Kheri Violence Case: Trial Court FRAMES CHARGES against Ashish Mishra ‘Monu’, son of MOS (Home) Ajay Mishra Teni under Section 302 (Murder), 307 (attempt to murder), 147 (rioting), etc.
Trial set to start from December 16 pic.twitter.com/gKnCCPK14h
— Live Law (@LiveLawIndia) December 6, 2022
કલમ 147: ભારતીય દંડ સંહિતાની કલમ 147 રમખાણો સાથે સંબંધિત છે. આ કલમ તેના પર લાદવામાં આવે છે જેના પર ઉપદ્રવ પેદા કરવાનો આરોપ છે. દોષિત ઠેરવવા પર બે વર્ષ સુધીની મુદત માટે કેદ અથવા દંડ અથવા બંને સાથે લાદવામાં આવી શકે છે. તે જામીનપાત્ર ગુનો છે એટલે કે આરોપીને જામીન મળી શકે છે.
કલમ 302: IPCની કલમ 302 હત્યા સાથે સંબંધિત છે. જો આરોપી દોષિત સાબિત થાય તો તેને આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા થઈ શકે છે. અથવા સજા અને દંડ બંને લાદવામાં આવી શકે છે. જો કે આ કેસમાં સજા સંભળાવતા પહેલા એ પણ જોવામાં આવે છે કે હત્યા પાછળનો હેતુ શું હતો. જો કોઈ ઈરાદા વગર મૃત્યુ પામે છે તો તે કેસ 302 હેઠળ આવતો નથી.
કલમ 307: ભારતીય કાયદાની સત્તાવાર વેબસાઈટ અનુસાર ભારતીય દંડ સંહિતાની કલમ 307 હત્યાના પ્રયાસ સાથે સંબંધિત છે. કલમ 307 લાગુ કરવામાં આવે છે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમાં નિષ્ફળ જાય છે. આવા કિસ્સામાં, હુમલો કરનાર વ્યક્તિ સામે કલમ 307 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જો હત્યાના પ્રયાસનો આરોપી કલમ 307માં દોષી સાબિત થાય છે તો તેને 10 વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે. આ સાથે દંડ પણ થઈ શકે છે. જે વ્યક્તિ પર હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, જો તેને ગંભીર ઈજા થાય તો ગુનેગારને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
ઘટના શું હતી?
વર્ષ 2021ના ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય એક કાર્યક્રમમાં ભાગ લેવા લખીમપુર ખીરી જઈ રહ્યા હતા. તેમને લેવા જવા માટે કાર તે તરફ જઈ રહી હતી. આ કાર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના દીકરા આશીષ મિશ્રાની જણવવામાં આવી હતી. રસ્તામાં તિકુનિયા વિસ્તારમાં ખેડૂતોઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યુ હતુ. તે રસ્તામાં ઝઘડો થયો અને એવી ઘટના થઈ જેને કારણે આશીષ મિશ્રા પર આરોપ લાગ્યો કે તેમણે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કાર ચઢાવી દીધી હતી. જેને કારણે 4 લોકોના મોત થયા. ત્યારબાદ થયેલી હિંસાને કારણે ભાજપના તેના ડ્રાઈવર સહિત 4 કોલોના પણ મોત થયા હતા. આ કેસમાં કુલ 8 લોકોના મોત થયા હતા.