Karnataka: બજરંગ દળના કાર્યકરની હત્યા કેસમાં ચારની ધરપકડ, 12ની અટકાયત
અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની ટીમ બહાર તેમજ શિમોગા જિલ્લામાં સર્ચ કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે.
કર્ણાટકના (Karnataka) શિમોગા જિલ્લામાં બજરંગ દળના (Bajrang Dal) કાર્યકરની હત્યાની ઘટના બાદ રાજ્યમાં ભયનો માહોલ ફેલાયો છે. જો કે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે જણાવ્યું કે ઘટનાના તમામ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. અધિક પોલીસ મહાનિર્દેશક પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે તમામ આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસની ટીમ બહાર તેમજ શિમોગા જિલ્લામાં સર્ચ કરી રહી છે. આરોપીની શોધખોળ ચાલુ છે. અમે આરોપીઓને ઓળખવા અને તેમની ધરપકડ કરવાના તબક્કા પર છીએ. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકીના લોકોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કલમ 144 લાગુ હોવા છતાં, મંગળવારે સવારે તુંગનગર વિસ્તારમાં કેટલાક વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા.
રેડ્ડીએ જણાવ્યું હતું કે, કાર્યકરની હત્યા પછી, શિમોગામાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે અને ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક દ્વારા પણ પરિસ્થિતિ વણસે નહીં તેની ખાતરી કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, રેડ્ડીએ જણાવ્યું હતું.
સમગ્ર શિમોગામાં તણાવનો માહોલ
બજરંગ દળના કાર્યકરના મોતથી સમગ્ર શિમોગામાં તણાવનો માહોલ છે. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આજે સમગ્ર વિસ્તારમાં આગચંપી શરૂ કરી દીધી હતી. જોકે, પોલીસે હત્યાના મામલે 12 લોકોની અટકાયત કરી છે. કર્ણાટકના ગૃહમંત્રી અર્ગા જ્ઞાનેન્દ્રએ મંગળવારે કહ્યું, 12થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે. કાર્યકરની હત્યાના સંબંધમાં, પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને પૂછપરછ માટે 12ની અટકાયત કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે સવારે અહીંના તુંગનગર વિસ્તારમાં હિંસા અને આગચંપીના છૂટાછવાયા બનાવો બન્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કાશિફ, નદીમ, આસિફ અને રિહાન તરીકે થઈ છે, જેઓની ઉંમર 20 વર્ષની આસપાસ છે. સૂત્રોએ કહ્યું, આ આરોપીઓની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના રવિવારની છે. શિમોગામાં રવિવારે રાત્રે કારમાં આવેલા કેટલાક અજાણ્યા લોકોએ બજરંગ દળના કાર્યકરની હત્યા કરી હતી.
શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી
ઘટના બાદ તંગદિલીભર્યા વાતાવરણને જોતા જિલ્લા પ્રશાસને શાળા-કોલેજોમાં રજા જાહેર કરી હતી. આ સિવાય અહીં કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે શહેરમાં હિંસા અને આગચંપીની 14 અલગ-અલગ ઘટનાઓ બની જેના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. રેડ્ડીએ કહ્યું કે ત્રણ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ એવા લોકોની શોધ કરી રહી છે જેમણે આગ અને હિંસામાં પોતાના વાહનો અને સંપત્તિ ગુમાવી છે.
આ પણ વાંચો : અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં