Jammu Kashmir: કાશ્મીરી પંડિત હત્યા કેસમાં CJI ને પત્ર લખવામાં આવ્યો, પીડિત પરિવારને વળતર અને સરકારી નોકરી આપવાની કરી અપીલ
દિલ્હી સ્થિત વકીલ વિનીત જિંદાલે આ પત્ર CJIને મોકલ્યો છે. આ અરજીમાં તેમણે કાશ્મીરી પંડિત પૂરણ ભટની હત્યાની નોંધ લેવાની માગ કરી છે. જિંદાલે CJI જસ્ટિસ યુયુ લલિતને વિનંતી કરી છે કે તેઓ પૂરણ ભટના પરિવારને એક કરોડનું વળતર આપે.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાંમાં કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટની હત્યા કેસમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને એક પત્ર મોકલવામાં આવ્યો છે. આ દ્વારા CJIને અપીલ કરવામાં આવી છે કે આ પત્રને અરજી તરીકે સ્વીકારવામાં આવે. દિલ્હી સ્થિત વકીલ વિનીત જિંદાલે આ પત્ર CJIને મોકલ્યો છે. આ અરજીમાં તેમણે કાશ્મીરી પંડિત પૂરણ ભટની હત્યાની નોંધ લેવાની માગ કરી છે. જિંદાલે CJI જસ્ટિસ યુયુ લલિતને વિનંતી કરી છે કે તેઓ પૂરણ ભટના પરિવારને એક કરોડનું વળતર આપે. આવેદન પત્રમાં એવી પણ માગ કરવામાં આવી છે કે પુરણના પરિવારના એક સભ્યને સરકારી નોકરી પણ આપવામાં આવે.
વિનીત જિંદાલે જમ્મુ-કાશ્મીરમાં રહેતા તમામ કાશ્મીરી પંડિતોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા માટે એક સરકારી પ્રતિનિધિ મંડળ મોકલવું જોઈએ. કાશ્મીરી પંડિત પૂરણ કૃષ્ણ ભટને શનિવારે શોપિયન જિલ્લાના ચૌધરી ગુંડ વિસ્તારમાં આતંકવાદીઓએ ઠાર માર્યા હતા.
કાશ્મીરી પંડિતોમાં આક્રોશ
રવિવારે ભટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે લોકો ઉમટી પડ્યા હતા. શોકગ્રસ્ત કાશ્મીરી પંડિતોએ ખીણમાં આતંકવાદીઓ દ્વારા લોકોની ટાર્ગેટ કિલિંગ રોકવામાં સરકારની નિષ્ફળતા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાશ્મીરી પંડિત સમુદાયે ભટના પરિવારને યોગ્ય વળતરની પણ માગણી કરી હતી, જેમાં મૃતકની પત્નીને 50 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા અને સરકારી નોકરી ઉપરાંત સુરક્ષાની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી હિંદુ કર્મચારીઓની તાત્કાલિક ખીણની બહાર ટ્રાન્સફર કરવાની માગણીનો સમાવેશ થાય છે. .
ભાજપ પર વિપક્ષો વરસ્યા
આ પહેલા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) સુજીત કુમારે જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન કાશ્મીર ફ્રીડમ ફાઈટરે ભટની હત્યાની જવાબદારી લીધી છે. ડીઆઈજીએ કહ્યું હતું કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે એક આતંકવાદીએ ભાટ પર ગોળીબાર કર્યો હતો. કાશ્મીરી પંડિતોની હત્યાને લઈને વિપક્ષે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસે આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકાર આ સમુદાય (કાશ્મીરી પંડિતોને) સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. ભટની હત્યાના વિરોધમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રવિવારે આમ આદમી પાર્ટી (AAP) ના ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. AAP કાર્યકર્તાઓએ અહીં પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો અને પોલીસે થોડા સમય માટે કાર્યકરોને કસ્ટડીમાં પણ રાખ્યા હતા.