Indigo ની ફ્લાઈટ્સમાં 10 ટકાનો ઘટાડો, ઉડ્ડયન મંત્રી સાથેની બેઠકમાં CEO એ જોડવા પડ્યા હાથ
Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં મંત્રી રામ મોહન નાયડુ અને સચિવ સમીર સિંહાએ ફ્લાઈટ્સના સંચાલન, મુસાફરોની સંભાળ, રિફંડ અને સામાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઇન્ડિગોએ ઓપરેશનલ કટોકટી પછી બધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાણ કરી હતી, જેમાં 1,800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.

મંગળવારે Indigo એરલાઇન્સના CEO પીટર એલ્બર્સને નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) ના મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ અને MoCA સચિવ સમીર સિંહા પણ બેઠકમાં હાજર હતા. બેઠકમાં ઇન્ડિગોની સંચાલન સ્થિતિ, મુસાફરોની સંભાળ, રિફંડ સ્થિતિ, પાઇલટ અને ક્રૂ રોસ્ટર સ્થિતિ અને લગેજની વાપસી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરલાઇનના CEO ને સમન્સ મોકલ્યા બાદ, કેન્દ્રએ રદ થવાના દર ઘટાડવા માટે ઇન્ડિગોના સંચાલનમાં 10% ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે.
ઇન્ડિગોએ ક્રાઈસિસ વિશે શું કહ્યું?
ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથેની બેઠક પહેલા, ઇન્ડિગોએ મંગળવારે જાહેરાત કરી હતી કે એક અઠવાડિયાથી વધુ સમય સુધી કામગીરીમાં વિક્ષેપ પડ્યા પછી તેની બધી ફ્લાઇટ્સ હવે સામાન્ય રીતે કાર્યરત છે. કંપનીએ જણાવ્યું હતું કે તેનું ઓનટાઈ પરફોર્મેન્સ સામાન્ય થઈ ગયુ છે અને બુધવારે આશરે 1,900 ફ્લાઇટ્સ ચલાવવાની યોજના છે.
1,800 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાનો દાવો
કંપનીના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે નેટવર્કમાં સતત સુધારા પછી બધી સુનિશ્ચિત ફ્લાઇટ્સ કાર્યરત થશે. એરપોર્ટ પર ફસાયેલ લગભગ તમામ લેગેજ હવે તેના ગ્રાહકો સુધી પહોંચી ગયો છે, અને બાકીનો માલ ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે. હાલમાં, ઇન્ડિગો તેના 138 સ્ટેશનો પર 1,800 થી વધુ ફ્લાઇટ્સ ચલાવે છે. વધુમાં, કંપનીએ તેની વેબસાઇટ પર તેના ગ્રાહકો માટે સંપૂર્ણ રિફંડ રદ કરવાની પ્રક્રિયાને આસાન અને ઓટોમેટેડ કરી છે.
બેઠક પહેલા, ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે એરલાઇન હવે સંપૂર્ણપણે સ્થિર છે અને તમામ રૂટ પર ફ્લાઇટ્સ કાર્યરત છે. તેમણે ગ્રાહકોની માફી માંગી હતી અને સમજાવ્યું હતું કે ક્રાઈસિસની સ્થિતિ 5 ડિસેમ્બરે શરૂ થઈ હતી, જ્યારે ફક્ત 700 ફ્લાઇટ્સ જ કાર્યરત થઈ શકી હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં શું કહ્યું?
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે ઇન્ડિગોને નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમોમાંથી કોઈ ખાસ છૂટ આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું હતું કે કોઈપણ એરલાઇન, ગમે તેટલી મોટી હોય, આ રીતે મુસાફરોને હેરાન કરી શકે નહીં. તેમણે સ્થાનિક એરલાઇન બજારમાં નવી કંપનીઓને પ્રોત્સાહન આપવાનું પણ આહ્વાન કર્યું હતું, કારણ કે ઇન્ડિગોનો માર્કેટ હિસ્સો લગભગ 65 ટકા છે.
DGCA એ ઇન્ડિગોને FDTL નિયમોમાંથી અસ્થાયી રૂપે મુક્તિ આપી હતી, જેની ટીકા થઈ હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયને જવાબ આપતા, કંપનીએ ટેકનિકલ ખામીઓ, શિયાળાના સમયપત્રકમાં ફેરફાર, ખરાબ હવામાન અને નવા FDTL નિયમોને કટોકટીના કારણો ગણાવ્યા છે.
