પથ્થરમારો, આગચંપી… હિંસાની આગમાં નૂહ સળગી ઉઠ્યુ, અત્યાર સુધીમાં 5ના મોત, 24 કલાકમાં 24 અપડેટ વાંચો
સોમવારે હરિયાણાના નૂહમાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. હિંસા દરમિયાન બદમાશોએ 40થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી.

Haryana: નૂહમાં સોમવારે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન ગોળીબાર (firing) અને પથ્થરમારાની ઘટનાને પગલે તંગદિલી ફેલાઈ ગઈ હતી. હિંસાની આ આગમાં ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પોલીસ દળ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે હોમગાર્ડ જવાન સહિત 5 લોકોના મોત થયા હતા જ્યારે 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે નૂહમાં પરિસ્થિતિ પર બેઠક યોજીને આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. આ સાથે અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વહીવટીતંત્રને તાત્કાલિક અસરથી નૂહ મોકલવામાં આવ્યા છે. સીએમ ખટ્ટરે કહ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે શોભાયાત્રા કાઢવામાં આવે છે. પરંતુ આ વખતે જે રીતે યાત્રા પર હુમલો થયો તે કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. હાલમાં નૂહ સહિત હરિયાણાના તમામ જિલ્લાઓમાં સ્થિતિ સામાન્ય છે.
આ પણ વાંચો : વિદ્યાર્થીનીઓ પ્રયોગશાળામાં કરતી હતી પ્રેક્ટિકલ ક્લાસ, એમોનિયાથી ભરેલા કન્ટેનરમાં થયો બ્લાસ્ટ; 10 ઘાયલ
ચાલો જાણીએ 24 કલાકમાં એવું શું થયું કે હિંસાની આગમાં નૂહ બળી ગયો:-
- સોમવારે નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદના સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી અને બંને તરફથી પથ્થરમારો અને ગોળીબાર શરૂ થયો.
- હિંસામાં ગુડગાંવના હોમગાર્ડ નીરજ અને ગુરસેવક સહિત પાંચ લોકોના મોત થયા છે. આ દરમિયાન 50થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- નૂહમાં થયેલી હિંસામાં મેવાતના ડીએસપી સજ્જન સિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ગુડગાંવ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર અનિલને પેટમાં ગોળી વાગી હતી.
- નૂહમાં પથ્થરમારાની સાથે શરૂ થયેલા હંગામામાં આગ લાગી હતી અને બદમાશોએ 40થી વધુ વાહનોને આગ ચાંપી દીધી હતી.
- હિંસા દરમિયાન બદમાશોએ નૂહના સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. હંગામો એટલો વધી ગયો કે પોલીસકર્મીઓએ પણ જીવ બચાવીને ભાગવું પડ્યું.
- મેવાતના શહેર નગીના અને ફિરોઝપુર-ઝિરકા પણ નૂહ હિંસાની ઝપેટમાં આવ્યા હતા. શોભા યાત્રા પરપથ્થરમારાના કારણે નૂહમાં લાગેલી આગ ગુરુગ્રામના સોહના સુધી પહોંચી હતી.
- સોહનાના આંબેડકર ચોકમાં બદમાશોએ પથ્થરમારો કર્યો હતો.
- હિંસા દરમિયાન નુહના નલ્હદ શિવ મંદિરમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. મહત્વનુ છે કે કરનલ, હિસાર, જીંદ, ગુરુગ્રામ અને ફરીદાબાદના લોકોએ પણ શોભા યાત્રામાં ભાગ લીધો હતો.
- મંદિરમાં બે હજારથી વધુ લોકો ફસાયેલા હોવાની માહિતી મળી હતી, જેમને બાદમાં પોલીસની મદદથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
- તિરંગા પાર્ક પાસે ફાટી નીકળેલી હિંસાની આગ એટલી ઝડપથી ફેલાઈ કે આખો નૂહ જિલ્લો તેની ઝપેટમાં આવી ગયો. આ દરમિયાન બદમાશોએ બજાર, ગુરુગ્રામ-અલવર હાઈવે, બસ સ્ટેન્ડ અને હોટલની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી.
- મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બદમાશોએ ગુરુગ્રામ-અલવર નેશનલ હાઈપ સ્થિત હીરો કંપનીના શોરૂમને પણ નિશાન બનાવ્યું હતું. શોરૂમના માલિકે જણાવ્યું કે બદમાશોએ મોટી સંખ્યામાં બાઇકો પણ લૂંટી હતી. નૂહની હિંસાએ મંદિરોને પણ નિશાન બનાવ્યા હતા. બદમાશોએ ઘણી જગ્યાએ મંદિરો પર હુમલા કર્યા. જોકે, પોલીસે સમયસર બદમાશોને કાબુમાં લીધા હતા.
- સરઘસ દરમિયાન, બદમાશોએ ગ્રામીણ વિસ્તારોમાં હુમલો કર્યો. હાથમાં હથિયારો સાથેના બદમાશોએ ગામમાં તોડફોડ કરી અને લૂંટ ચલાવી. જ્યારે પોલીસે આ બદમાશોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો. આ દરમિયાન અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
- હિંસા અને હંગામાને જોતા નૂહ સિવાય ગુડગાંવ, રેવાડી અને ફરીદાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા મોડી સાંજે નૂહની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી હતી.
- કોઈપણ અફવાઓને ટાળવા માટે, નુહ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં 2 ઓગસ્ટથી ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. હિંસા અને હંગામાને જોતા નૂહ જિલ્લા પ્રશાસને અન્ય જિલ્લાઓમાંથી પોલીસ ફોર્સને બોલાવી હતી.
- નૂહમાં ફેલાયેલી હિંસાને જોતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક અસરથી મદદ માંગી હતી અને અર્ધલશ્કરી દળની 3 કંપનીઓને નૂહ મોકલવામાં આવી હતી. વિજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મેવાતના એસપી રજા પર છે, જેના કારણે પલવલના એસપીને ત્યાં મોકલવામાં આવ્યા છે.
- નૂહમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઓએસડીએ માહિતી આપી હતી કે નૂહ જિલ્લામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ પછી પોલીસ એક્શનમાં આવી અને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી.
- કહેવામાં આવી રહ્યું છે કે નૂહમાં થયેલી હિંસા પાછળ મોનુ માનેસરનો એક ફેસબુક વીડિયો છે. આ વીડિયો દ્વારા મોનુ માનેસરે કહ્યું હતું કે તે પણ આ યાત્રામાં ભાગ લેશે.
- નૂહમાં ચાલી રહેલી હિંસાને જોતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. દોષિતોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે હું લોકોને શાંતિ જાળવવા અપીલ કરું છું. કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મદદ કરો અને એકબીજા વચ્ચે ભાઈચારો જાળવો.
- ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર નિશાંત કુમાર યાદવે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વાંધાજનક અથવા એવી કોઈ પણ વસ્તુ પોસ્ટ ન કરે, જેના કારણે વાતાવરણ બગડે. આમ કરવા પર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
- ગુરુગ્રામના બાદશાહપુર વિસ્તારમાં એક ઢાબામાં આગ લાગી હતી. આ ઘટના બપોરે બે વાગ્યાની આસપાસ બની હતી. ફાયર બ્રિગેડની ટીમ સાથે ગુરુગ્રામ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
- કેટલાક લોકોએ મંગળવારે બપોરે લગભગ 3:00 વાગ્યે અલવર બાયપાસ પર સ્થિત સમા ચિકન શોપ અને અલ્તાફ ચિકન શોપમાં તોડફોડ કરી હતી. દુકાનમાં તોડફોડ થતી જોઈને દુકાનમાં બેઠેલા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા.
- જણાવી દઈએ કે માહિતી મળતાની સાથે જ ભિવડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જેને જોઈને બદમાશ યુવકો દોડીને નજીકના જેનેસિસ શોપિંગ મોલમાં ઘૂસી ગયા હતા.પોલીસે જેનિસિસ મોલને ચારે બાજુથી ઘેરી લીધો છે.
- મેવાતમાં શોભા યાત્રા દરમિયાન હિંસાની આગ પલવલ જિલ્લા સુધી પહોંચી છે. હોડલથી પુનાના રોડ પર તોફાનીઓએ માલસામાન ભરેલી 4 ટ્રકોને આગ ચાંપી દીધી હતી. આગમાં ચારેય ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. તે જ સમયે, પલવલની પરશુરામ કોલોનીમાં પણ ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી, જેમાં તમામ ઝૂંપડપટ્ટી બળીને રાખ થઈ ગઈ હતી.
- નુહના એસપીએ જણાવ્યું છે કે તમામ જિલ્લામાં સ્થિતિ શાંતિપૂર્ણ છે. મેવાતમાં ક્યાંય કોઈ નાની ઘટના બની નથી. નૂહ જિલ્લામાં પણ આજે કોઈ ઘટના બની નથી. દોષિતો વિરુદ્ધ FIR નોંધવામાં આવી રહી છે, ઘણા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.