ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, વડાપ્રધાન મોદી 30 ઑક્ટોબરે લીલી ઝંડી બતાવશે
કાશી વિશ્વનાથ અને બહુચર માતાજીના ભક્તો માટે રેલવેની મોટી જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાબરમતી-વારાણસી એક્સપ્રેસ અને મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવા શરૂ કરાવશે. જાણો સમગ્ર સમયપત્રક અને સ્ટોપેજ.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબર 2026 ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં બે નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવીને રવાના કરશે. જેમાં સાબરમતી-વારાણસી એક્સપ્રેસ તથા મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેન સેવાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે સાબરમતી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, અમદાવાદના મેયર આ કાર્યક્રમમાં હાજર રહેશે, જ્યારે બેચરાજી સ્ટેશન ખાતે યોજાનાર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો હાજર રહેશે.
અમદાવાદ મંડળના ડીઆરએમ ના જણાવ્યા મુજબ, “વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય રેલવે મુસાફર-કેન્દ્રીત પરિવહન વ્યવસ્થા તરફ આગળ વધી રહી છે. સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને કાશી વિશ્વનાથ દર્શને જતા શ્રદ્ધાળુઓને મોટી સુવિધા મળશે. જ્યારે મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુથી ઉત્તર ગુજરાતના દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને યાત્રાધામ બહુચરાજી જતા દર્શનાર્થીઓને ઉત્તમ સગવડ મળશે.”
સાબરમતી-વારાણસી એક્સપ્રેસથી 3 રાજ્યો વચ્ચે જોડાણ મજબૂત બનશે
- નવી ટ્રેન નંબર 12205/12206 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને યુપીના પ્રમુખ શહેરોને જોડશે. આ ટ્રેન દૈનિક ચાલશે.
- ટ્રેન નં. 12205 સાબરમતીથી સવારે 05:20 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે 06:30 વાગ્યે વારાણસી પહોંચશે.
- ટ્રેન નં. 12206 વારાણસીથી સાંજે 17:30 વાગ્યે ઊપડશે અને બીજા દિવસે રાત્રે 20:15 વાગ્યે સાબરમતી પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ: મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઇદગાહ, આગ્રા જંક્શન, ટુંડલા, ગોવિંદપુરી, સૂબેદારગંજ અને મિર્ઝાપુર.
મહેસાણા-બેચરાજી-સાબરમતી મેમુ ટ્રેનનું ટાઇમટેબલ
- સવારની સેવા: સાબરમતીથી સવારે 06:40 વાગ્યે ઊપડીને 08:05 વાગ્યે બેચરાજી અને 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે. વળતી ટ્રેન મહેસાણાથી સાંજે 16:40 વાગ્યે ઊપડીને 17:49 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
- સાંજની સેવા: સાબરમતીથી સાંજે 17:05 વાગ્યે ઊપડીને 18:48 વાગ્યે બેચરાજી અને રાત્રે 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે. વળતી ટ્રેન મહેસાણાથી સવારે 07:05 વાગ્યે ઊપડીને 07:50 વાગ્યે બેચરાજી અને 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
- સ્ટોપેજ: ચાંદખેડા, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ.
આ બંને નવી રેલ સેવાઓથી પ્રવાસન, સ્થાનિક વેપાર, ઉદ્યોગો અને સામાજિક-આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
