ખેડૂતો માટે ખુશખબર, લાખ્ખો ખેડૂતોને મળશે દિવાળીની ભેટ, PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો 17 ઓક્ટોબરે જાહેર કરાશે
PM કિસાન સન્માન નિધિના 12માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર દિવાળી પહેલા ખેડૂતોના બેંક ખાતામાં 12મો હપ્તો મોકલવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 ઓક્ટોબરે PM કિસાન સન્માન નિધિનો હપ્તો જાહેર કરશે.

PM કિસાન સન્માન નિધિના (PM Kisan Samman Nidhi) 12માં હપ્તાની રાહ જોઈ રહેલા લાખ્ખો ખેડૂતો માટે સારા સમાચાર છે. PM કિસાન સન્માન નિધિના 12માં હપ્તા ફાળવવા માટે કેન્દ્ર સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે માહિતી આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દિવાળી પહેલા 17 ઓક્ટોબરે પીએમ કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો રિલીઝ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તાના પૈસા 16 અને 17 ઓક્ટોબરના રોજ યોજાનાર કિસાન સન્માન સંમેલન પ્રસંગે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ખેડૂતોના ખાતામાં 16 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર થશે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિના 12મા હપ્તા તરીકે 16 હજાર કરોડ રૂપિયા લાખ્ખો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દેશના 11 કરોડથી વધુ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા છે. જુલાઈમાં, 11મા હપ્તાના 11 કરોડથી વધુ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 2 લાખ કરોડ મોકલવામાં આવ્યા છે
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શનિવારે કહ્યું કે જ્યારથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ થઈ છે, ત્યારથી ખેડૂતોને તેનો ઘણો ફાયદો મળી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ખેડૂતોને 2,000 રૂપિયા એટલે કે વર્ષમાં 6 હજારનો હપ્તો આપવામાં આવે છે. આ યોજનાની દેશની સાથે સાથે વિશ્વભરમાં પણ પ્રશંસા થઈ રહી છે. આ યોજના હેઠળ, ખેડૂતોના ખાતામાં 11 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને 2 લાખ કરોડની રકમ આપવામાં આવી છે.
આ સંમેલનમાં 1 કરોડ ખેડૂતો જોડાશે
17 અને 18 ઓક્ટોબરે પુસામાં યોજાનાર કિસાન સંમેલન વિશે માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આ સંમેલનમાં 1 કરોડથી વધુ ખેડૂતો વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કૃષિ સંબંધિત 1500 થી વધુ સ્ટાર્ટઅપ્સને પણ કોન્ફરન્સમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. 700 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, 75 ICAR સંસ્થાઓ, 75 રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ, 600 PM કિસાન કેન્દ્રો, 50,000 પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ અને 2 લાખ સમુદાય સેવા કેન્દ્રો (CSCs) જેવી વિવિધ સંસ્થાઓ પણ કોન્ફરન્સનો ભાગ હશે.