ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ કુમાર શર્મા યુપી સરકારમાં બન્યા કેબિનેટ મંત્રી, જાણો કોણ છે એકે શર્મા
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ત્યારે તેમની સાથે તેમના કેબિનેટ સાથીદારો પણ આજે શપથ લઈ રહ્યા છે.
યોગી આદિત્યનાથે આજે ફરીથી યુપીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. યુપીમાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજી વખત બહુમતી મળી છે. ત્યારે તેમની સાથે તેમના કેબિનેટ (Uttar Pradesh Cabinet) સાથીદારો પણ આજે શપથ લઈ રહ્યા છે. યોગી કેબિનેટમાં પીએમ મોદી (PM Modi)ના નજીકના ગણાતા પૂર્વ IAS અને MLC એકે શર્મા (A K Sharma)નું નામ પણ આમાં સામેલ છે. એકે શર્માને પણ પીએમ મોદીની હાજરીમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ ગ્રહણ કરાવ્યા હતા. યોગી કેબિનેટમાં સરકારને તેમના અનુભવોનો લાભ મળશે. મહત્વનું છે કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં ઘણા નિવૃત્ત અધિકારીઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, ગયા વર્ષે પણ એકે શર્માના નામની ચર્ચા થઈ હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે, તેમને યોગી કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. પરંતુ બાદમાં પાર્ટીએ તેમને એમએલસી બનાવ્યા અને તેમને પાર્ટીમાં ઉપાધ્યક્ષના પદ પર નિયુક્ત કર્યા.
કોણ છે એકે શર્મા?
એકે શર્માનું પૂરું નામ અરવિંદ કુમાર શર્મા છે. શર્માનો જન્મ 11 એપ્રિલ 1962ના રોજ થયો હતો અને તે ભૂમિહાર બ્રાહ્મણ સમુદાયમાંથી આવે છે. એકે શર્મા મૂળ મઉ જિલ્લાના છે અને તેમણે પોલિટિકલ સાયન્સ, ફિલોસોફી, ઈકોનોમિક્સમાં ફર્સ્ટ ક્લાસમાંથી સ્નાતક થયા છે. આ સિવાય શર્માએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. અહેવાલો અનુસાર, તેમણે ઓસ્ટ્રેલિયાથી માસ્ટર ઓફ પબ્લિક પોલિસી અને અમેરિકાથી સ્ટ્રક્ચરિંગ ટેરિફની તાલીમ પણ લીધી છે.
પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે
એકે શર્મા ગુજરાત કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી છે અને પીએમ મોદીના નજીકના માનવામાં આવે છે. હકીકતમાં શર્માએ 2001 થી 2013 સુધી ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અને 2014 થી 2020 સુધી PMOમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના સહયોગી અધિકારી તરીકે કામ કર્યું છે. તેઓ 2014માં કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર દિલ્હી આવ્યા હતા અને તેમને અહીં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા. નિવૃત્ત થતા પહેલા તેઓ પીએમઓમાં જ એડિશનલ સેક્રેટરી હતા. અરવિંદ કુમાર શર્માની ટાટા નેનોને ગુજરાતમાં લાવવામાં, રાજ્યમાં રોકાણ કરવામાં અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં તેમની ભૂમિકા મહત્વની હતી.
તમને જણાવી દઈએ કે, એકે શર્માનો ભાજપ સાથે સંબંધ બહુ જૂનો નથી, કારણ કે તેઓ જાન્યુઆરી 2021માં જ ભાજપમાં જોડાયા હતા. આ પછી અટકળો શરૂ થઈ હતી કે, એકે શર્માને ટૂંક સમયમાં મોટું પદ આપવામાં આવી શકે છે. જોકે, એવું કહેવાય છે કે સીએમ યોગી આદિત્યનાથ સાથે તેમની કેમેસ્ટ્રી બહુ સારી નથી. એકે શર્માએ રાજકીય પ્રવેશને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.
વાસ્તવમાં, જાન્યુઆરી 2021માં ભાજપમાં જોડાયા પછી એવું માનવામાં આવતું હતું કે, તેમને ટૂંક સમયમાં વિધાન પરિષદમાં મોકલવામાં આવશે અને તે જ થયું. તેમને એમએલસી તરીકે વિધાન પરિષદમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી એકે શર્માને ઉત્તર પ્રદેશના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યારપછી ગયા વર્ષે જૂન 2021માં એવી ઘણી ચર્ચા થઈ હતી કે એકે શર્માને યુપી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. માનવામાં આવી રહ્યું હતું કે, તેમને ડેપ્યુટી સીએમ અથવા કોઈ મોટી જવાબદારી મળી શકે.
આ પણ વાંચો: School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ
આ પણ વાંચો: CUET 2022: હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ 10 પોઈન્ટમાં