અદભૂત અને અવિશ્વસનીય ! AIIMS માં 5 મહિનાના ગર્ભનું દાન કરીને જૈન પરિવારે માનવતાની મિસાલ રજૂ કરી
ભ્રૂણ દાન બાદ સામાન્ય રીતે પરિવારમાં ચિંતા અને દુઃખનું વાતાવરણ જોવા મળે છે પણ આ વખતે વાત કંઈ અલગ જ છે. AIIMS માં 5 મહિના ગર્ભ દાન કરીને જૈન પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યું છે. લોકો તેમના આ કામની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.

હાલમાં જ દિલ્હીમાં સ્થિત AIIMS ને પહેલીવાર ભ્રૂણ દાન મળ્યું છે. 32 વર્ષીય વંદના જૈનનો પાંચમાં મહિનામાં ગર્ભપાત થયો હતો. આ મુશ્કેલ સમયમાં, પરિવારે સંશોધન અને શિક્ષણ માટે AIIMS માં ભ્રૂણ દાન કરવાનો નિર્ણય લીધો.
વંદના જૈનના પરિવારે સવારે 8 વાગ્યે દધીચી દેહદાન સમિતિનો સંપર્ક કર્યો. સમિતિના ઉપપ્રમુખ સુધીર ગુપ્તા અને સંયોજક જી.પી. તાયલે તાત્કાલિક કાર્યવાહી કરી અને AIIMS ના એનાટોમી વિભાગના પ્રમુખ ડૉ. એસ.બી. રાય અને તેમની ટીમ સાથે વાત કરી. ટીમની મદદથી દિવસભર દસ્તાવેજને લગતું કામ અને બીજી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી AIIMS ને સાંજે 7 વાગ્યે તેનું પહેલું ભ્રૂણ દાન મળ્યું.
‘ગર્ભદાન’ રિસર્ચ માટે મુખ્ય આધાર
ગર્ભદાન એ માત્ર એક મેડિકલ પ્રોસેસ નથી પરંતુ ભવિષ્યના રિસર્ચ અને શિક્ષણ માટે એક મુખ્ય આધાર છે. AIIMS ના એનાટોમી વિભાગના પ્રોફેસર ડૉ. સુબ્રત બાસુએ જણાવ્યું હતું કે, માનવ શરીરના વિકાસને સમજવા માટે ગર્ભ અભ્યાસ (Fetal studies) ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિસર્ચ અને શિક્ષણમાં આપણને શરીરના વિવિધ ભાગોનો વિકાસ અલગ અલગ સમયે કેવી રીતે થાય છે, તે જોવાની તક મળે છે.
ઉદાહરણ તરીકે, જ્યારે બાળકનો જન્મ થાય છે, ત્યારે તેની નર્વસ સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થતી નથી. તે બે વર્ષ પછી ધીમે ધીમે વિકસે છે. આવા કેસોનો અભ્યાસ કરવાથી મેડિકલ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને વધુ સમજવાની તક મળે છે.
ડૉ. બાસુ વધુમાં કહે છે કે, આ રિસર્ચ એજિંગ (વૃદ્ધત્વ)ની પ્રક્રિયાને સમજવામાં પણ મદદરૂપ થશે. ગર્ભમાં પેશીઓ સતત વધે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં પેશીઓને નુકસાન થવાનું શરૂ થાય છે. બીજું કે, જો આપણે કયા પરિબળો પેશીઓને ગ્રો કરે છે અને કયા તેને નુકસાન પહોંચાડે છે, તે સમજી જઈએ તો ભવિષ્યમાં વય-સંબંધિત રોગોના ઉકેલ શોધવામાં મદદ મળશે.
બીજું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે, બાળકોમાં એનેસ્થેસિયાનો ઉપયોગ કરવો એ એક મોટો પડકાર છે. નાના બાળકો બોલી શકતા નથી, તેમને કેટલી માત્રા આપવી તે જાણવું મહત્વપૂર્ણ છે. એવામાં ગર્ભ અભ્યાસ આપણને સમજવામાં મદદ કરે છે કે, બાળકનું કયું અંગ કયા તબક્કે કેટલું વિકસિત થયું છે અને તેની સુરક્ષિત રીતે સારવાર કેવી રીતે કરી શકાય છે.
ભવિષ્યની પેઢીને નવો માર્ગ મળશે
આ પહેલથી જૈન પરિવાર સમાજમાં એક ઉમદા ઉદાહરણ આપી રહ્યું છે. તેમણે પોતાના વ્યક્તિગત દુઃખને માનવતા અને વિજ્ઞાનમાં ફેરવી દીધું. દધીચી દેહદાન સમિતિ પહેલાથી જ દેશભરમાં અંગદાન, આંખનું દાન અને દેહ-દાનના ક્ષેત્રમાં જાગૃતિ ફેલાવી રહી છે.
ભ્રૂણ દાનના આ પ્રથમ કિસ્સાએ સમિતિના અભિયાનને વધુ ઐતિહાસિક બનાવ્યું છે. વંદના જૈન અને તેમનો પરિવાર આવનારા સમયમાં લાખો લોકો માટે આશાનું કિરણ બન્યા છે. AIIMS અને દધીચી દેહદાન સમિતિની આ પહેલ ભવિષ્યની પેઢીને મેડિકલ ક્ષેત્રે નવો માર્ગ બતાવશે.

