દિલ્હીના દ્વારકાની બહુમાળી ઈમારતમાં લાગી આગ, બચવા માટે પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા, 3 ના મોત, જુઓ વીડિયો
દિલ્હીના દ્વારકા સેક્ટરમાં એક ઇમારતના સાતમા માળે આવેલા ફ્લેટમાં આગ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે. આગથી બચવા માટે ત્રણેય લોકોએ બાલ્કનીમાંથી નીચે કૂદતા મૃત્યુ પામ્યા. આગને કારણે સાવચેતીના ભાગરૂપે સોસાયટીને ખાલી કરાવવામાં આવી છે.
દિલ્હીના દ્વારકા સેક્ટરમાં આવેલી બહુમાળી ઇમારત સબાદ એપાર્ટમેન્ટમાં આજે મંગળવારે ભીષણ આગ લાગી હતી. આ આગ સબાદ એપાર્ટમેન્ટના સાતમા માળે લાગી હતી, પરંતુ આગથી બચવા માટે પિતાએ તેમના 2 બાળકો સાથે ઘરની બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા હતા, જેના કારણે ત્રણેયનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોકે, તેમની પત્ની અને એક પુત્ર અકસ્માતમાં સુરક્ષિત રીતે બચી ગયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.
દિલ્હી પોલીસે અકસ્માત અંગે જણાવ્યું હતું કે, સાતમા માળે લાગેલી આગને કારણે 2 બાળકો પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા હતા, તેમને તાત્કાલિક આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેના પિતા યશ યાદવ (35 વર્ષ) પણ પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યા, તેમને પણ તાત્કાલિક સારવાર અર્થે IGI હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેમને પણ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા.
પત્ની અને પુત્રની ચાલી રહી છે સારવાર
યશ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલાછે. જોકે, યશની પત્ની અને મોટો પુત્ર આગમાંથી બચી ગયા અને તેમની સારવાર ચાલી રહી છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને IGI હોસ્પિટલમાં બંને ટીમો તૈનાત કરવામાં આવી છે.
દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.