Breaking News: કથિત દારૂ કૌભાંડમાં EDની ટીમે બે કલાકની પૂછપરછ બાદ દિલ્હી CM અરવિંદ કેજરીવાલની કરી ધરપકડ
દિલ્હીમાં કથિત શરાબ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઈડીએ ધરપકડ કરી છે. આ પહેલા ઈડીની ટીમે કેજરીવાલના ઘરે પૂછપરછ માટે પહોંચી હતી. લગભગ 2 કલાક સુધી કેજરીવાલની પૂછપરછ બાદ ઈડીની ટીમના અધિકારી કેજરીવાલને તેમની સાથે હેડક્વાટર લઈ ગઈ છે.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. સતત 9 સમન્સ મોકલ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 10માં સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. EDના જોઈન્ટ ડાયરેક્ટર કપિલ રાજ પણ કેજરીવાલના ઘરે હાજર છે. કેજરીવાલનું નિવેદન પીએમએલએની કલમ 50 હેઠળ નોંધવામાં આવી રહ્યું છે.
EDના તપાસ અધિકારી જોગેન્દ્ર સીએમ કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના ઘરની પણ તલાશી લેવામાં આવી હતી. દરમિયાન, કેજરીવાલની લિગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો છે.
આ દરમિયાન દિલ્હીના કેબિનેટ મંત્રી સૌરભ ભારદ્વાજ પણ કેજરીવાલના ઘરની બહાર પહોંચી ગયા . તેમણે કહ્યું કે કેજરીવાલની ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. આજે જ દિલ્હી હાઈકોર્ટે આ મામલે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી.
આ દરમિયાન, પંજાબના સીએમ ભગવંત માને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘ભાજપની રાજકીય ટીમ (ED) કેજરીવાલની વિચારસરણીને પકડી શકતી નથી… કારણ કે એકમાત્ર AAP જ ભાજપને રોકી શકે છે… વિચારને ક્યારેય દબાવી શકાતો નથી.’
EDએ કર્યો હતો મોટો દાવો
સોમવારે જારી કરાયેલા નિવેદનમાં EDએ અનેક દાવા કર્યા હતા. અખબારી યાદીમાં પ્રથમ વખત અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કરતી વખતે EDએ દાવો કર્યો હતો કે આરોપી કે. કવિતા સાથે કેજરીવાલનું નામ પણ જોડાયેલું છે. ED અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે K. કવિતાએ AAP પાર્ટીના નેતાઓ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે મળીને નવી એક્સાઇઝ પોલિસીનો ફાયદો ઉઠાવવાનું કાવતરું ઘડ્યું હતું.
દાવા મુજબ, નવી આબકારી નીતિમાંથી વ્યક્તિગત લાભોના બદલામાં AAP પાર્ટીના નેતાઓને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ષડયંત્ર હેઠળ, નવી દારૂની નીતિમાં જથ્થાબંધ વેપારીઓ દ્વારા AAP પાર્ટીને લાંચના પૈસા સતત મોકલવામાં આવી રહ્યા હતા. ષડયંત્ર હેઠળ સાઉથ લોબી દ્વારા એડવાન્સ અપાયેલી કરોડો રૂપિયાની લાંચ દારૂ પરના નફાના માર્જિનમાં વધારો કરીને વસૂલવાની હતી અને આ પોલિસીમાંથી બમણો નફો મેળવવાનો હતો.
ગુરુવારે કોર્ટમાં શું થયું?
સીએમ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો. આ પહેલા ગુરુવારે કોર્ટે કહ્યું હતું કે તે ધરપકડથી મુક્ત નથી. EDના સમન્સ પર, કેજરીવાલ પૂછપરછ માટે આવતા ન હતા, તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જશે તો તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. તેના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ED સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.