દિલ્હીના શાહીન બાગમાં ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો ઝડપાયો, NCBએ 400 કરોડનો સામાન કર્યો જપ્ત, ઈન્ડો-અફઘાન સિન્ડિકેટનો થયો પર્દાફાશ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મોટી સફળતા મળી છે. NCBએ દિલ્હીના શાહીન બાગમાં એક મોટા ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં અફઘાન, પાકિસ્તાની અને ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને (NCB) મોટી સફળતા મળી છે. NCBએ દિલ્હીના શાહીન બાગમાં (Shaheen Bagh) એક મોટા ડ્રગ સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં અફઘાન, પાકિસ્તાની અને ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં તે ભારત-અફઘાન સિન્ડિકેટ (India-Afghanistan drug syndicate) છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ લગભગ 400 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કર્યા છે. DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, ગુપ્ત ઓપરેશન પર કામ કરતી વખતે, દિલ્હીના શાહીન બાગ અને જામિયા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવેલા એક ઘરમાંથી 50 કિલો હેરોઈન અને 47 કિલો શંકાસ્પદ માદક દ્રવ્યો મળી આવ્યા છે. તેમજ 30 લાખની રોકડ અને નોટ ગણવાનું મશીન પણ મળી આવ્યું છે.
હકીકતમાં, તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હેરોઈનને ઝાડની ડાળીઓમાં પોલાણ બનાવીને દરિયા અને પાકિસ્તાન બોર્ડર દ્વારા ગુપ્ત રીતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. ઉપરાંત NCBને શંકા છે કે રિકવર કરાયેલી રોકડ પણ હવાલા મારફતે ભારતમાં લાવવામાં આવી છે. DDG ઓપરેશન્સ સંજય કુમાર સિંહે જણાવ્યું કે, હિન્દુસ્તાનમાં આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના તાર દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના અલગ-અલગ શહેરો સાથે જોડાયેલા છે. રિકવર કરાયેલી દવાઓના કન્સાઈનમેન્ટ અલગ અલગ જથ્થામાં શણની થેલીઓમાં રાખવામાં આવ્યા હતા.
અલગ-અલગ વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવીને ભારતમાં લાવવામાં આવતું હતું
તેમજ ડીડીજી NCB જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે, આ પહેલા પણ આ સિન્ડિકેટ અલગ-અલગ વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવીને ભારત લાવી ચૂક્યું છે. વાસ્તવમાં આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકો હેરોઈનના ઉત્પાદન અને એડલ્ટિંગમાં નિષ્ણાત છે, જેનો ઉપયોગ તેઓ કેટલીકવાર NCB અને અન્ય તપાસ એજન્સીઓને છેતરવા માટે કરે છે. આ સિવાય NCB અધિકારીઓએ જણાવ્યું કે, આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા એક ભારતીય મૂળના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય શહેરોમાં તપાસ ચાલુ છે. રિકવર કરાયેલ હેરોઈન અને અન્ય ડ્રગ્સના નિશાન તાજેતરમાં અટારી બોર્ડર પાસે મળી આવેલા હેરોઈન સાથે મેળ ખાય છે. ટૂંક સમયમાં NCB આ ઈન્ડો-અફઘાન સિન્ડિકેટને લઈને કેટલીક ધરપકડ સાથે મોટો ખુલાસો કરી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો