આધાર, પાન, રેશનકાર્ડ દ્વારા સાબિત નહી કરી શકાય નાગરિકતા, તો કયા દસ્તાવેજની જરૂર પડશે ? સરકારે આપ્યા નવા નિર્દેશ
Citizenship Document : એવું જોવા મળ્યું હતું કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ આધાર, પાન અને રેશન કાર્ડની મદદથી પોતાને ભારતીય નાગરિક હોવાનો દાવો કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકારના નિર્દેશ પર, દિલ્હી પોલીસે એક નવો નિર્ણય લીધો છે. વિગતો અહીં જાણો...

દિલ્હીમાં હવે કોઈ વ્યક્તિના ભારતીય નાગરિક હોવાનો પુરાવો આપવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા રેશન કાર્ડ માન્ય નહીં ગણાય. દિલ્હી પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશી નાગરિક તરીકે શંકાસ્પદ લોકોને લઈને હવે માત્ર મતદાર ઓળખપત્ર (વોટર આઈડી કાર્ડ) અથવા પાસપોર્ટ જ નાગરિકતા પુરાવા તરીકે માન્ય રહેશે.
દિલ્લી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ નિર્ણય કેન્દ્ર સરકારના નિર્દેશ પરથી લેવામાં આવ્યો છે. ગયા વર્ષની ઓક્ટોબરથી ચાલી રહેલી વેરિફિકેશન ઝુંબેશ દરમિયાન એ જોવામાં આવ્યું કે મોટી સંખ્યામાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશી અને રોહિંગ્યા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડના આધારે પોતાને ભારતીય નાગરિક તરીકે દર્શાવી રહ્યા હતા.
બિનકાયદેસર વસવાટ કરતા શરણાર્થીઓ પાસે સંપૂર્ણ દસ્તાવેજો હતા
હિંદુસ્તાન ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું કે, “ઘણા બિનકાયદેસર નાગરિકો પાસે આધાર, રેશન કાર્ડ, પાન કાર્ડ અને અહીં સુધી કે UNHCR (યુનાઇટેડ નેશન્સ શરણે આવેલા શરણાર્થીઓ માટેના ઉચ્ચાયુક્ત) દ્વારા જારી કરાયેલા કાર્ડ પણ મળી આવ્યા છે. જેના કારણે સાચી રીતે ભારતીય નાગરિક ઓળખવું મુશ્કેલ બની ગયું હતું. તેથી હવે માત્ર વોટર ID કાર્ડ અથવા ભારતીય પાસપોર્ટને જ નાગરિકતા પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે.”
દિલ્લી પોલીસે તમામ જિલ્લાઓના ડીસીપી (DCP)ને પોતાના વિસ્તારમાં શંકાસ્પદ લોકોને લઈને તકેદારી વધારવા ના આદેશ આપ્યા છે. અધિકારીએ જણાવ્યું કે બિનકાયદેસર વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે અભિયાન ત્યારે સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી અંતિમ વ્યક્તિને પણ તેના દેશમાં પાછા મોકલી ન દેવામાં આવે.
દિલ્લીમાં 3500 પાકિસ્તાની નાગરિકો
આ સાથે પાકિસ્તાનથી આવેલા નાગરિકો પર પણ દિલ્લી પોલીસે કાર્યવાહી તેજ કરી છે. માહિતી અનુસાર, દિલ્લીમાં રહેતા આશરે 3,500 પાકિસ્તાની નાગરિકોમાંથી અંદાજે 520 મુસ્લિમ છે, જેમાંથી અત્યાર સુધી 400થી વધુ લોકોને અટારી બોર્ડરથી પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.
હમણાં જ પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે માત્ર મેડિકલ, ડિપ્લોમેટિક અને લોંગ ટર્મ વિઝા (LTV) ધરાવતા નાગરિકોને જ છૂટ મળશે. મેડિકલ વિઝા પણ 29 એપ્રિલ પછીથી બિનકાયદેસર માનવામાં આવશે. દિલ્લી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને આદેશ મળ્યો છે કે દિલ્લીમાં રહેલા પાકિસ્તાની નાગરિકોની માહિતી એકત્ર કરી તેમને તાત્કાલિક દેશ છોડવા કહેવામાં આવે. સરકારએ આ પણ સ્પષ્ટ કર્યું છે કે જે હિંદુ પાકિસ્તાની નાગરિકો પહેલેથી જ લોંગ ટર્મ વિઝા પર છે, તેમના વિઝા યથાવત રહેશે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
