Breaking News : સોશિયલ મીડિયા પર 18 વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિયંત્રણો મૂકવા માટે અસરકારક પગલાં લેવાનો નિર્દેશ સરકારને આપ્યો છે. જોકે ચોક્કસ ઉંમર પછી તેમને એકાઉન્ટ રાખવાની મંજૂરી મળી શકે છે, પરંતુ તે માતા-પિતાની દેખરેખ હેઠળ હોવુ જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને સગીરો દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટના ઉપયોગ કરવાનું બંધ થાય તે માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા અનુરોધ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે, સગીરોના એકાઉન્ટ્સ અંગેની હાલની વ્યવસ્થાને ભારતીય કાયદા હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા અને અસરકારક બનાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને એવો નિર્દેશ આપ્યો છે કે, સરકારે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને સૂચનાઓ જાહેર કરી સૂચના આપે કે, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ તેમના પોતાના એકાઉન્ટ સોશિયલ મીડિયામા બનાવી ના શકે. જોકે, એક ચોક્કસ ઉંમર પછી માતા-પિતાની દેખરેખ હેઠળ તેમને એકાઉન્ટ રાખવાની મંજૂરી આપી શકાય છે ખરી. હાલમાં ‘ઇન્ટરમીડિયરી રૂલ્સ’ (મધ્યસ્થી નિયમો)માં આનો ઉલ્લેખ હોવા છતાં, કોર્ટે આ વ્યવસ્થાને અસરકારક રીતે અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અરજીમાં શું માંગ કરવામાં આવી હતી?
સુપ્રીમ કોર્ટમાં ‘જસ્ટ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન એલાયન્સ’ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન, સગીરો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના સુરક્ષા પગલાં પર ચર્ચા કરવામાં આવી હતી. અરજદારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ એચ.એસ. ફૂલકાએ દલીલ કરી હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સ્વતંત્ર રીતે કરાર કરી શકતા નથી, તેમ છતાં તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નિયમો અને શરતો સ્વીકારીને એકાઉન્ટ બનાવે છે.
માતા-પિતાની દેખરેખ હેઠળ એકાઉન્ટ્સ માટેની વ્યવસ્થા
કોર્ટે કેન્દ્રને કહ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સ્વતંત્ર રીતે કરાર કરતા અટકાવતા નિયંત્રણને ‘ઇન્ટરમીડિયરી રૂલ્સ’ હેઠળ કાયદાકીય માન્યતા આપવા અંગે વિચારણા કરવામાં આવે. અરજીમાં એવી વ્યવસ્થાની પણ માંગ કરવામાં આવી હતી કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવા પ્લેટફોર્મથી સંપૂર્ણપણે દૂર રાખવાને બદલે, માતા-પિતા અથવા કાયદેસરના વાલીઓની સંમતિ અને દેખરેખ હેઠળ ડિજિટલ પ્લેટફોર્મનો મર્યાદિત ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે. હાલની વ્યવસ્થા શું છે?
હાલના ઇન્ટરમીડિયરી નિયમો હેઠળ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ માટે ઘણા નિયમો છે, જોકે, અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે સગીરોને એકાઉન્ટ બનાવતા અટકાવવા માટે કોઈ અસરકારક કે સમાન વય-ચકાસણી પદ્ધતિ નથી. કોર્ટે અગાઉ સગીરોની ઓનલાઇન સુરક્ષા અંગેની માર્ગદર્શિકાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. સપ્ટેમ્બરમાં થયેલી સુનાવણી દરમિયાન, કોર્ટે કહ્યું હતું કે ભારતમાં આ બાબતે સુરક્ષાના પગલાં અમલમાં હોવા જોઈએ.
