Breaking News : સુપ્રીમ કોર્ટે UPI ચાર્જ પર તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કર્યો, કેન્દ્ર અને NPCIને પાઠવી નોટિસ
સુપ્રીમ કોર્ટે UPI દ્વારા કરવામાં આવતા અમુક ચોક્કસ રકમના MDR ચાર્જ લાગુ કરવાના નિર્ણયને તાત્કાલિક અસરથી રદ કરવાનો ઇનકાર કર્યો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, UPI સ્ટીયરિંગ કમિટી અને NPCIને નોટિસ પાઠવીને, ચાર સપ્તાહમાં તેનો જવાબ માંગ્યો છે.

સુપ્રીમ કોર્ટે UPI દ્વારા કરવામાં આવતા ચોક્કસ વેપારી પેમેન્ટ્સ પર ચાર્જ લાગુ કરવાની પ્રક્રિયાને તાત્કાલિક અસરથી અટકાવવાનો ઇનકાર કર્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષો, જેવા કે કેન્દ્ર સરકાર, UPI સ્ટીયરિંગ કમિટી અને NPCIને કારણ દર્શક નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં તેનો જવાબ રજૂ કરવા કહ્યું છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વવાળી બેન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. આ અરજીમાં ₹2,000થી વધુના આર્થિક વ્યવહાર પર લાગુ થતા નવા વેપારી ચાર્જ (MDR) ની કાયદેસરતાને પડકારવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચ આજે વકીલ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનની સુનાવણી કરી રહી હતી. કાર્યવાહી દરમિયાન, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એન. વેંકટરામને જણાવ્યું હતું કે, આ ચાર્જ 15 ઓક્ટોબરથી અમલમાં આવશે. તેમણે નોંધ્યું હતું કે 96% વ્યવહારો આ ચાર્જમાંથી મુક્ત રહેશે અને આવશ્યક સેવાઓ માટે ₹5નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ASG એન. વેંકટરામને જણાવ્યું હતું કે, આ ન તો ટેક્સ છે કે ન તો ફી. તેના જવાબમાં જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરી હતી કે, “અમને આ તથ્યો સોગંદનામા પર જોઈએ છે… આ મુખ્યત્વે એક તકનીકી બાબત છે.” દરમિયાન, જસ્ટિસ બાગચીએ પૂછ્યું, “શું તે ટેક્સ છે કે ફી છે ? જો તે ફી નથી, તો આ લેવી (ચાર્જ) માટેનો વહીવટી આધાર શું છે? કઈ સેવા પૂરી પાડવામાં આવી રહી છે?”
ASG એન. વેંકટરામને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “આ કોઈ વસૂલાત નથી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારત સરકાર આ ચાર્જમાંથી એક રૂપિયો પણ એકત્રિત કરી રહી નથી. તેના બદલે, આ પેમેન્ટ એગ્રીગેટર્સ અને બેંકો વચ્ચેની સેટલમેન્ટ ફી છે. ASG એ સ્પષ્ટ કર્યું કે જ્યારે બેંકો ઇલેક્ટ્રોનિક વ્યવહારોની પ્રક્રિયા કરે છે ત્યારે તેમને ખર્ચ થાય છે અને તેઓ ક્રેડિટ / ડેબિટ કાર્ડ વ્યવહારો પર શુલ્ક (charges) વસૂલે છે, જ્યારે અગાઉ UPI ચૂકવણીઓને આવા શુલ્કમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જોકે, સમગ્ર સિસ્ટમના સુચારુ સંચાલન માટે આ શુલ્ક આવશ્યક છે.
મુદ્દો શું છે ?
નોંધનીય છે કે NPCI એ, આગામી 15 ઓક્ટોબરથી અમલમાં આવે તે રીતે UPI દ્વારા કરવામાં આવતા રૂપિયા 2000થી વધુની કિંમતની વેપારી ચૂકવણીઓ (merchant payments) પર એક શુલ્કખાસ કરીને ‘મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ’ (MDR) લાગુ કરવાનો નિર્ણય લીધો છે. રૂપિયા 2,000 થી વધુની ચૂકવણી માટે 0.4 ટકાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે, જેમાં રૂપિયા 75,000 કે તેથી વધુની ચૂકવણી માટે મહત્તમ મર્યાદા (cap) રૂપિયા 300 રાખવામાં આવી છે. જોકે, સામાન્ય જનતા દ્વારા કરવામાં આવતી UPI ચૂકવણીઓ પર કોઈ શુલ્ક લાદવામાં આવ્યો નથી. સરકારનો દાવો છે કે આ ફેરફારથી લગભગ 96 ટકા વેપારી વ્યવહારો પર કોઈ અસર પડશે નહીં.
નાના દુકાનદારો માટે રાહત
નવી સિસ્ટમમાં નાના દુકાનદારોને આ શુલ્કમાંથી મુક્તિ આપવાની જોગવાઈઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. UPI QR કોડ દ્વારા દર મહિને રૂપિયા 1 લાખ સુધીની રકમ મેળવતા નાના વેપારીઓએ કોઈ પણ શુલ્ક ચૂકવવો નહીં પડે. રેલવે, ટેલિકોમ્યુનિકેશન, વીમા, ઈંધણ અને કૃષિ સામગ્રી જેવા ક્ષેત્રોમાં રૂપિયા 2,000 થી વધુના વ્યવહારો માટે રૂપિયા 5 નો નિશ્ચિત ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
અરજીમાં શું પડકારવામાં આવ્યું ?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) માં આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપિયા 2,000 થી વધુની UPI વેપારી ચૂકવણીઓ પર શુલ્ક લાદવાનો નિર્ણય પૂરતી કાનૂની સુરક્ષા, પારદર્શિતા કે જાહેર પરામર્શ વિના લેવામાં આવ્યો હતો. આ અરજી જાન્યુઆરી 2020 થી અમલમાં રહેલી ‘શૂન્ય-શુલ્ક વ્યવસ્થા’ (zero-charge regime) માં ફેરફાર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારે છે. સુપ્રીમ કોર્ટે હવે તાત્કાલિક સ્ટે (સ્થગિતતા) આપવાનો ઇનકાર કર્યો છે અને સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યા છે. આનો અર્થ એ છે કે, હાલ પૂરતું, 15 ઓક્ટોબરથી અમલમાં આવનારી નવી સિસ્ટમ પર કોર્ટ તરફથી કોઈ વચગાળાનો સ્ટે નથી.
