Breaking News : દુબઈથી આવેલ ફિલ્મ હિરોઈનને DRI એ એરપોર્ટ પરથી 12 કરોડના સોના સાથે ઝડપી પાડી
કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવની પુત્રી અને કન્નડ ફિલ્મની હિરોઈન રાન્યા રાવની સોનાની દાણચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાન્યા રાવ તેના પિતાના પ્રભાવનો ઉપયોગ કરીને આડેધડ રીતે દાણચોરીનો ધંધો કરી રહી હતી.

કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી જાણીતી હીરોઈન રાન્યા રાવ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ છે. તે દુબઈથી સોનાના કન્સાઈનમેન્ટ લઈને બેંગ્લોર એરપોર્ટ પર ઉતરી હતી. આ સમય દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધી હતી અને તેની તલાશી દરમિયાન તેની પાસેથી 14.8 કિલો સોનું મળી આવ્યું હતું. રાન્યા કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવની પુત્રી છે અને તેના પિતાના પદના પ્રભાવનો ગેરફાયદો ઉઠાવીને દાણચોરી કરતી હતી.
હાલમાં ડીઆરઆઈની ટીમે રાન્યા રાવને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ શરૂ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ પોલીસ મહાનિર્દેશક રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. રાન્યાની માતાએ રામચંદ્ર રાવ સાથે બીજા લગ્ન કર્યા છે. ડીઆરઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાન્યાએ ભૂતકાળમાં કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ખૂબ જ ચર્ચિત ફિલ્મોમાંની એક હતી માણિક્ય. જો કે બાદમાં તે દાણચોરીના ધંધામાં લાગી ગઈ હતી.
દુબઈથી લાવવામાં આવેલ સોનાનું કન્સાઈનમેન્ટ
કહેવામાં આવી રહ્યું છે કે તે લાંબા સમયથી દુબઈથી ભારતમાં સોનાની દાણચોરી કરી રહી હતી. દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓને રાન્યા રાવ વિશે સંબંધિત ઈનપુટ મળ્યા હતા. આ પછી ડીઆરઆઈના અધિકારીઓ ફ્લાઈટના આગમનના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચ્યા અને દુબઈથી આવતા દરેક પેસેન્જરની તપાસ કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન જેવી તપાસ ટીમ રાન્યાને શોધવા પહોંચી તો તેણે પહેલા તેના પિતાના પદનો પ્રભાવ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
12 કરોડનું સોનું રિકવર થયું
તેમ છતાં ડીઆરઆઈના અધિકારીઓ રાન્યા રાવને ઈન્વેસ્ટિગેશન રૂમમાં લઈ ગયા અને તેના કપડાની તપાસ કરી. રાન્યાએ તેના કપડાના અંદરના ભાગમાં 14.8 કિલો સોનાનું પડ બનાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા અનુસાર અભિનેત્રી રાન્યા રાવ પાસેથી મળેલા સોનાની કિંમત, ખુલ્લા બજારમાં 12 કરોડ રૂપિયાથી વધુ છે. હવે ડીઆરઆઈએ આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકોની પણ શોધખોળ શરૂ કરી છે.