મધ્યપ્રદેશમાં આજે મુખ્યમંત્રી મોહન યાદવની કેબિનેટનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. 28 ધારાસભ્યો મધ્યપ્રદેશના પ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા પણ, કેટલાક ધારાસભ્યોને મોહન યાદવની કેબિનેટમાં સામેલ કરવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ, ભાજપના રાષ્ટ્રીય નેતા કૈલાશ વિજયવર્ગીયનો પણ સમાવેશ થાય છે. મોહન યાદવ સરકારનું કેબિનેટ વિસ્તરણ આજે સોમવારે બપોરના 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન થવાનું છે. આ પહેલા મુખ્યમંત્રી મોહન યાદવ રાજ્યપાલ મંગુભાઈ પટેલને મળ્યા હતા. રાજભવનમાં જ શપથ ગ્રહણ સમારોહ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
મધ્યપ્રદેશના પાટનગર ભોપાલના સરકાર હસ્તકના ગેરેજમાં નવા શપથ લેનારા પ્રધાનો માટે 28 વાહનો પણ તૈયાર છે. આ તમામ વાહનો રાજભવન પહોંચશે. કૈલાશ વિજયવર્ગીય ઉપરાંત પ્રહલાદ પટેલ, ગોવિંદ સિંહ રાજપૂત અને તુલસી સિલાવત પણ કેબિનેટમાં સ્થાન પામશે.
કેબિનેટ વિસ્તરણ પહેલા મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું, “મહામહિમ અમારા નવા કેબિનેટને શપથ લેવડાવશે. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને તમામ વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ નવી કેબિનેટ સરકારની રચના સાથે રાજ્યની સુધારણા માટે કામ કરશે.
મુખ્યમંત્રી ડોકટર મોહન યાદવે, સંભવિત મંત્રીઓની સંખ્યા અને નામ જાહેર કરવાનું એ સમયે ટાળ્યું છે. કેબિનેટનું નેતૃત્વ સીએમ મોહન યાદવ તેમના બે ડેપ્યુટી રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા સાથે કરશે. 230 ધારાસભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભામાં મંત્રીઓની મહત્તમ સંખ્યા નિયમ મુજબ વધુમાં વધુ 35 હોઈ શકે છે. જેમાં ખુદ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશ વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના 3 ડિસેમ્બરે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 163 બેઠકો સાથે મોટી જીત નોંધાવી છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીને 66 બેઠકો મળી હતી. મોહન યાદવે 13 ડિસેમ્બરે બે ડેપ્યુટીઓ સાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મધ્યપ્રદેશમાં, 17 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં તમામ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું અને 3 ડિસેમ્બરે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
1. પ્રદ્યુમ્ન સિંહ તોમર 2. તુલસી સિલાવત 3. એડલ સિંહ કસાના 4. નારાયણ સિંહ કુશવાહા 5. વિજય શાહ 6. રાકેશ સિંહ 7. પ્રહલાદ પટેલ 8. કૈલાશ વિજયવર્ગીય 9. કરણ સિંહ વર્મા 10. સંપતિયા ઉઇકે 11-ઉદય 11-ઉદય નિર્મલા ભુરિયા 13. વિશ્વાસ સારંગ 14. ગોવિંદ સિંહ રાજપૂત 15. ઈન્દર સિંહ પરમાર 16. નાગર સિંહ ચૌહાણ 17. ચૈતન્ય કશ્યપ 18. રાકેશ શુક્લા, રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) 19. કૃષ્ણા ગૌર 20. ધર્મેન્દ્ર લોધી 21. દિલીપ જાસુલ 21. ગૌતમ ટેટવાલ 23. લેખન પટેલ 24. નારાયણ પવાર, રાજ્ય મંત્રી 25. રાધા સિંહ 26. પ્રતિમા બાગરી 27. દિલીપ અહિરવાર 28. નરેન્દ્ર શિવાજી પટેલ
Published On - 2:27 pm, Mon, 25 December 23