Rajya Sabha: TMC નેતા ડેરેક ઓ’બ્રાયને મહાસચિવ પર રૂલ બુક ફેંકી, કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે વ્યક્ત કરી નારાજગી
રાજ્યસભામાં સભ્યોના વર્તનની ટીકા કરતાં ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે મહાસચિવ પર નિયમ પુસ્તક ફેંકવું એ પોતે જ વાંધાજનક અભિવ્યક્તિ છે. ગૃહમાં કોઈ સભ્ય, ખાસ કરીને કોઈ પક્ષના નેતાએ આવું વર્તન ન કરવું જોઈએ.
ભૂપેન્દ્ર યાદવ અને પીયૂષ ગોયલે રાજ્યસભામાં (Rajya Sabha) મહાસચિવ પર તૃણમૂલ કોંગ્રેસના (TMC) નેતા ડેરેક ઓ બ્રાયનની રૂલ બુકની બુક ફેંકવાની ઘટના પર ગૃહમાં સખત વાંધો વ્યક્ત કર્યો છે. રાજ્યસભામાં સભ્યોના વર્તનની ટીકા કરતાં ભૂપેન્દ્ર યાદવે (BHUPENDRA YADAV) કહ્યું હતું કે મહાસચિવ પર નિયમ પુસ્તક ફેંકવું એ પોતે જ વાંધાજનક અભિવ્યક્તિ છે. ગૃહમાં કોઈ સભ્ય, ખાસ કરીને કોઈ પક્ષના નેતાએ આવું વર્તન ન કરવું જોઈએ. ડેરેક ઓ’બ્રાયન ચૂંટણી કાયદા સંશોધન બિલ 2021નો વિરોધ કરતી વખતે ગુસ્સે થઈ ગયા અને તેમણે સંસદની રૂલ બુક સેક્રેટરી જનરલ પર ફેંકી દીધી. આ પછી તે ગૃહની બહાર નીકળી ગયા હતા.
મંગળવારે કાયદા અને ન્યાય પ્રધાન કિરેન રિજિજુએ (Kiren Rijiju) રાજ્યસભામાં ‘ચૂંટણી કાયદા (સંશોધન) બિલ, 2021’ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલમાં આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવાની વાત કરવામાં આવી છે. વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન ડેરેક ઓ બ્રાયને સેક્રેટરી જનરલ પર રૂલ બુક ફેંકી હતી. જો કે, વિપક્ષના હોબાળા વચ્ચે ચૂંટણી કાયદો (સુધારા) બિલ 2021 રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે.
બિલમાં શું છે જોગવાઈઓ? આ વિધેયકમાં એવી જોગવાઈ છે કે 18 વર્ષના યુવાનો હવે વર્ષમાં 4 વખત મતદાર તરીકે પોતાની નોંધણી કરાવી શકશે. 1 જાન્યુઆરીની સાથે જ યુવાઓ 1લી એપ્રિલ, 1લી જુલાઈ અને 1લી ઓક્ટોબરના રોજ પણ મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ સાથે ટૂંક સમયમાં યુવાનોના વોટર આઈડી કાર્ડ બનાવવામાં આવશે. અત્યાર સુધી વર્ષમાં એકવાર એટલે કે 1 જાન્યુઆરી પહેલા, વ્યક્તિ 18 વર્ષની ઉંમરે પોતાને મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ તેના મતદાર કાર્ડને આધાર (Aadhar Card) સાથે લિંક કરવા માંગે છે, તો તે તેને લિંક કરી શકે છે. પરંતુ તે જરૂરી રહેશે નહીં, વૈકલ્પિક છે. મતદાર આઈડીને આધાર સાથે લિંક કરવાના મામલામાં ગોપનીયતાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવશે.