અધધધ બેનામી મિલકત, લાલુપ્રસાદે પચાવેલી જમીનની કિંમત 200 કરોડ, જાણો EDના દરોડામાં અમેરિકી ડોલર, રોકડા, ગોલ્ડ સહીત અન્ય શુ મળ્યું ?
Land For Job Scam: લાલુ પુત્ર તેજસ્વી દ્વારા નિયંત્રિત પ્રોપર્ટીમાં પણ ભારે ગોલમાલ છે. તેજસ્વીએ જે પ્રોપર્ટીની કિંમત કાગળ પર માત્ર 4 લાખ દર્શાવી છે તે બંગલાની વાસ્તવિક બજાર કિંમત 150 કરોડ રૂપિયા છે.
નોકરી માટે જમીન કૌંભાડમાં EDએ લાલુ યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા અનેકના રહેણાક અને ધંધાકિય સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડાઓને લઈને ઈડી વિપક્ષના નિશાના પર છે. વિપક્ષનો આરોપ છે કે, હવે સરકાર દ્વારા લાલુ યાદવના પરિવારને પરેશાન કરવામાં આવી રહ્યા છે. વિપક્ષ પણ આ મામલે મોદી સરકારને ઘેરી રહ્યો છે.
ઇડીએ હવે નોકરી માટે જમીન કેસમાં તેનું સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. EDએ દાવો કર્યો છે કે ચોક્કસ માહિતીના આધારે દિલ્હી-NCR, પટના, મુંબઈ અને રાંચીમાં 24 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી EDએ લગભગ 1 કરોડ રૂપિયા રોકડા, 1900 યુએસ ડોલર, 540 ગ્રામ સોનું, 1.5 કિલો સોનાના દાગીના સહિત કેટલાક વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે.
દરોડામાં બીજું શું મળ્યું
ED અનુસાર, કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ 600 કરોડ રૂપિયામાંથી 350 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત ખરીદવામાં આવી હતી. 250 કરોડ રૂપિયાની બેનામી પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મોટાભાગની જમીન પટનાના પોશ વિસ્તારોમાં તત્કાલિન રેલવે મંત્રી લાલુ યાદવ દ્વારા રેલવેમાં નોકરી આપવાના નામે ખોટી રીતે જમીન પચાવી પાડવામાં આવી હતી. જેની કિંમત આજના યુગમાં 200 કરોડ રૂપિયા છે.
ઘણા સનસનાટીભર્યા દાવા
EDએ દાવો કર્યો કે, જેના નામે બેનામી પ્રોપર્ટી છે, શેલ કંપનીઓ જેના નામે છે અને આનાથી કોને ફાયદો થયો છે તે એજન્સીએ દરોડા દરમિયાન શોધી કાઢ્યું છે. ન્યુ ફ્રેન્ડ કોલોનીનો બંગલો જે મેસર્સ એબી એક્સપોર્ટ પ્રાઈવેટના નામે છે, પરંતુ વાસ્તવમાં તે તેજસ્વી યાદવ અને તેના પરિવાર દ્વારા નિયંત્રિત છે. આ પ્રોપર્ટીની કિંમત કાગળ પર માત્ર 4 લાખ બતાવવામાં આવી હતી, જ્યારે આ બંગલાની વાસ્તવિક કિંમત 150 કરોડ રૂપિયા છે.
રોકડ વપરાશ
તપાસ એજન્સીને શંકા છે કે આ બંગલો અને મુંબઈની પ્રોપર્ટી ખરીદવા માટે રોકડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ જે હીરા અને ઝવેરાત મળી આવ્યા છે તેની ખરીદીમાં મોટાભાગની રોકડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જમીનના જે ચાર ટુકડાઓ પડાવી લેવામાં આવ્યા હતા તે એવા હતા કે તે ગ્રુપ ડીની નોકરી મેળવવા માટે 7.5 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. બાદમાં તેને સાડા ત્રણ કરોડમાં આરજેડીના પૂર્વ ધારાસભ્ય અબુ દુજાનાને વેચી દેવામાં આવ્યો હતો. આમાંથી મોટા ભાગના પૈસા તેજસ્વીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.