વન નેશન વન ઈલેક્શન લાગુ કરતા પહેલા આ છે પડકાર રુપ પ્રશ્નો, જે અંગે સરકાર લઈ શકે છે મોટા નિર્ણય, જાણો અહીં
'એક દેશ એક ચૂંટણી'ના અમલીકરણમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. વિવિધ પક્ષોની સરકાર અસ્તિત્વમાં હોય અને તે સરકાર પડી ભાંગે તો શુ થાય, કોઈ રાજ્યની મધ્યસત્ર ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ આવે તો શુ થાય,આવા અનેક પ્રશ્નો વન નેશન વન ઈલેકશન લાગુ પડે તો સર્જાય તેવી સ્થિતિ છે. આ તમામ બાબતોને લઈને સરકારના પ્રવકત્તા પ્રધાન જણાવી શકે છે અથવા તો બીલ રજૂ થાય ત્યારે સંસદમાં સ્પષ્ટતા થઈ શકે છે.

One Nation One Election: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક રમવા માગે છે. કેન્દ્ર સરકાર વન નેશન વન ઈલેક્શનને લઈને આગળ વધી છે. આગામી 18થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક દેશ એક ચૂંટણીને લઈને સરકાર સંસદના વિશેષ સત્રમાં બિલ લાવી શકે છે. આ અંગે સરકારે એક કમિટી પણ બનાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, 2018માં પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક દેશ, એક ચૂંટણીને લઈને વિચાર રજૂ કર્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતુ કે, આ બાબત પર વિચાર વિમર્શ થવો જરૂરી છે.
સરકાર આ બાબતે કેમ આગળ વધી રહી છે તેમજ તેનાથી દેશને શું લાભ અને ગેરલાભ થઈ શકે છે. આ બધાની વચ્ચે કેટલીક પરિસ્થિતિઓમાં, જો આ વન નેશન વન ઈલેક્શન દેશમાં લાગું હશે તો શું થશે ? વન નેશન વન ઈલેક્શન લાગુ પડે ત્યારે એવા પડકાર રુપ પ્રશ્નો છે જેના પર વિપક્ષ પણ હોબાળો મચાવી રહ્યું છે. ચાલો જાણીએ.
વન નેશન વન ઈલેક્શન થશે લાગુ ?
પીએમ મોદીએ અનેક વખત સૂચન કર્યું છે કે, સમગ્ર દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થવી જોઈએ, પરંતુ કેટલાક જાણકારોના મતે આવું કરવું સરળ નહીં હોય. આવું કેમ છે ? ચાલો જાણીએ કારણ…
‘એક દેશ એક ચૂંટણી’ના અમલીકરણમાં અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સરકારે અનેક ફેરફારો પણ કરવા પડશે. દાખલા તરીકે, સૌ પ્રથમ તેને લાગુ કરવા માટે બંધારણમાં જરૂરી સુધારો કરવો પડશે. લોકસભાનો કાર્યકાળ કાં તો લંબાવવો પડશે અથવા તો નિર્ધારિત સમય પહેલા સમાપ્ત કરવો પડશે. એટલું જ નહીં કેટલીક વિધાનસભાઓનો કાર્યકાળ પણ લંબાવવો પડી શકે છે. જ્યારે કેટલીક એસેમ્બલીનો કાર્યકાળ સમય પહેલા ખતમ થઈ જશે. આનો અમલ કરતા પહેલા તમામ પક્ષો વચ્ચે સર્વસંમતિ સર્જવી જરૂરી છે. જોકે, એક દેશ એક ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પહેલા જ કહી ચૂક્યું છે કે તે તેના માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે દેશમાં એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો પણ તેના હેઠળ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ કરાવી શકાતી નથી. આ એટલા માટે પણ છે કારણ કે આ રાજ્યના વિષયો છે.
આ છે તેના માટેના પડકાર રુપ પ્રશ્નો
ચલો માની લઈએ કે દેશમાં આ કાયદો કરવામાં આવ્યો, પણ તેના હેઠળ કેટલીક પરિસ્થિતીઓમાં આ કાયદા અતંર્ગત શું થશે?
- જેમ કે દેશમાં વન નેશન વન ઈલેક્શન લાગુ હોય અને જો કોઈ રાજ્યમાં બહુમતી ના મળી અને રાજકિયપક્ષો વચ્ચે ગઠબંધન પણ ના ચાલ્યુ ત્યારે શું થશે ?
- જ્યારે કેટલાક રાજ્યની ગઠબંધનની સરકાર બની અને તે સરકાર 5 વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ તૂટી જાય ત્યારે શું?
- જ્યારે કેન્દ્રમાં બનેલી સરકાર પર જો વિશ્વાસનો પ્રસ્તાવ લાગુ થાય અને સરકાર પડી જાય ત્યારે આ વન નેશન વન ઈલેક્શન હેઠળ શું અહીં રાષ્ટ્રપતિ શાસન લાગશે કે કેમ ?
- જ્યારે કોઈ પાર્ટીની સરકાર બહુમતી સાથે સરકારમાં છે અને તે પાર્ટીના ધારાસભ્યો બીજા પક્ષમાં જાય અને બહુમતી ધરાવતી પાર્ટી તૂટીને બહુમતી ગુમાવી બેસે ત્યારે શું ?
- વન નેશન વન ઈલેક્શન હેઠળ જો કોઈ રાજ્યમાં કોઈને બહુમતી ના મળી અને સરકાર જ ના બની શકે તેવી સ્થિતિ સર્જાય ત્યારે શું થશે ?
- વન નેશન વન ઈલેક્શન હેઠળ જો ક્યારેક કોઈ સરકારને બંધારણીય રીતે કલમ 356 લગાવીને દુર કરવી પડે તેમ હોય ત્યારે શુ. સરકારને તેના નિયત સમયગાળા પહેલ બરતરફ કરી હોય તો વન નેશન વન ઈલેકશન હેઠળ ક્યારે ચૂંટણી કરવી. ?
આવા અનેક પ્રશ્નો છે જે હાલ ઉભા થઈ રહ્યા છે, જોકે આ અંગે કેન્દ્ર સરકાર કાયદો લાગુ કરતા પહેલા આ પ્રશ્નો પર લોકોની મૂંઝવણ દૂર કરી શકે છે.