લો બોલો, અશોક ગેહલોતે વિધાનસભામાં જૂનુ બજેટ વાંચ્યું, બાજૂમાં બેઠેલા મંત્રીએ કહ્યુ- નવું વાંચો સાહેબ
રાજસ્થાન વિધાનસભામાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના બજેટની રજૂઆત દરમિયાન વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. સીએમની બજેટ સ્પીચ શરૂ થતાની સાથે જ પ્રધાન મહેશ જોશીએ સીએમ અશોક ગેહલોતને રોક્યા અને નવા બજેટનું ભાષણ વાંચવા કહ્યું.
રાજસ્થાન વિધાનસભામાં રાજ્ય સરકારનું બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના ત્રીજા કાર્યકાળના છેલ્લા બજેટની રજૂઆત દરમિયાન ભાષણ શરૂ થતાં જ વિપક્ષોએ હંગામો મચાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, સરકારે બજેટ લીક કર્યું અને મુખ્ય પ્રધાને જૂના બજેટની પંક્તિઓ વાંચી છે. બીજી તરફ ભારે હોબાળા બાદ વિપક્ષી સભ્યો ગૃહના વેલમાં ધસી આવ્યા હતા અને વિપક્ષના હોબાળાને જોતા સ્પીકર સીપી જોશીએ ગૃહની કાર્યવાહી અડધા કલાક માટે સ્થગિત કરી દીધી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર મુખ્ય પ્રધાનના ભાષણ દરમિયાન ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સીએમએ બજેટ ભાષણ શરૂ કરતાની સાથે જ કહ્યું હતું કે કામમાં સચ્ચાઈ હશે તો કામ સફળ થશે, દરેક સંકટનો ઉકેલ મળશે, આજે નહીં તો કાલે થશે. આ પછી, મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે બજેટની જાહેરાતો વાંચવાનું શરૂ કર્યું.
વિધાનસભામાં શું થયું હતું ?
વાસ્તવમાં, રાજસ્થાન વિધાનસભામાં બજેટ ભાષણ દરમિયાન સીએમ અશોક ગેહલોત અચાનક અટવાઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે ગેહલોતે સવારે 11 વાગે બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યું હતું અને થોડી વાર પછી તેઓ બજેટ વાંચતા જ અટકી ગયા હતા. બજેટમાં 125 દિવસની શહેરી રોજગાર ગેરંટી યોજનાની માહિતી આવતા જ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો.
આ દરમિયાન અશોક ગેહલોતની બાજુમાં બેઠેલા પ્રધાન મહેશ જોશી, સીએમ પાસે ગયા અને તેમને ભૂલ જણાવી અને તેના પર સીએમએ માફી માંગી અને કહ્યું કે આવી ભૂલો થાય છે. બીજી તરફ વિપક્ષે સવાલ પૂછ્યો હતો કે બજેટ પેપરમાં જૂના બજેટ પેપર્સ કેવી રીતે આવ્યા ? ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ જૂનું બજેટ ભાષણ વાંચ્યું છે.
મામલો અહીંયા અટવાયો
તમને જણાવી દઈએ કે તેમના ભાષણ દરમિયાન સીએમ ગેહલોતે કહ્યું હતું કે, હવે હું શહેરોમાં પણ રોજગાર સુનિશ્ચિત કરવા માટે ઈન્દિરા ગાંધી શહેરી રોજગાર ગેરંટી યોજના લાગુ કરવાની જાહેરાત કરું છું અને આ યોજના દ્વારા આગામી વર્ષથી લોકો શહેરી વિસ્તારોમાં વસવાટ કરી શકશે. માંગ ધરાવતા પરિવારોને દર વર્ષે રોજગારના દિવસો ઉપલબ્ધ થશે. તેના પર વાર્ષિક અંદાજે 800 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પછી જ ભાજપે આરોપ લગાવ્યો કે મુખ્ય પ્રધાને જૂનું બજેટ ભાષણ વાંચી રહ્યા છે.