વડાપ્રધાન મોદીના કોલનો આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ, દેશમાં બની શકે છે મેડિકલ કોલેજ
રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 9મો દિવસ છે. ભારત સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' હાથ ધરાઈને આશરે 13, 000 જેટલા વિદ્યાર્થીઓને વતન પરત લવાઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સામે આવ્યા છે.
મહિન્દ્રા ગ્રુપે (Mahindra Group) સૂચવ્યું છે કે રાજ્ય સરકારો જમીન ફાળવણી માટે સારી નીતિઓ ઘડે, જેથી ભારતમાં મોટી સંખ્યામાં ડોકટરો અને પેરામેડિકલ્સ બહાર પડી શકે. મહિન્દ્રા ગ્રૂપ હૈદરાબાદમાં તેના યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ કોલેજ સ્થાપવા પર ધ્યાન આપશે. ગઈકાલે (03/03/2022) મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ (Anand Mahindra) એક ટ્વીટમાં જણાવ્યું છે કે તેમને ભારતમાં મેડિકલ કોલેજોની અછત વિશે કોઈ ખ્યાલ નથી.
તેમના સાથીદાર અને ટેક મહિન્દ્રાના સીઈઓ સીપી ગુરનાનીને ટેગ કરીને તેમણે પૂછ્યું કે શું જૂથ મહિન્દ્રા યુનિવર્સિટીના કેમ્પસમાં તબીબી સંસ્થાની સ્થાપના કરી શકે છે કે કેમ ?
I had no idea that there was such a shortfall of medical colleges in India. @C_P_Gurnani could we explore the idea of establishing a medical studies institution on the campus of @MahindraUni ? https://t.co/kxnZ0LrYXV
— anand mahindra (@anandmahindra) March 3, 2022
આનંદ મહિન્દ્રાએ તેમના આ વિચારને ટ્વીટ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે અઝરબૈજાન અને ઝાગ્રેબ (ક્રોએશિયા)માં શૈક્ષણિક સંસ્થાઓ ઓછી ફી સાથે અભ્યાસક્રમ ઉપલબ્ધ હોવાથી તેઓ ભારતમાંથી મેડિકલ વિદ્યાર્થીઓને આકર્ષિત કરી રહ્યા છે.
આનંદ મહિન્દ્રાના આ વિચારને ટ્વીટર પર લોકોએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો છે અને કેટલાક લોકોએ તેમણે સૂચવ્યું છે કે તેમની સંસ્થાએ અન્ય કોલેજોની જેમ કરોડોમાં ફી વસૂલવી જોઈએ નહીં. આનંદ મહિન્દ્રાએ લોકોના આ સૂચનને સ્વીકાર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ ખાતે મહિન્દ્રા કોલેજ કેમ્પસ સ્થિત છે, જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, લિબરલ આર્ટસ, લો એન્ડ મેનેજમેન્ટ અને મીડિયાના અભ્યાસક્રમોની ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રદાન કરે છે.
આનંદ મહિન્દ્રા દેશમાં તબીબી શિક્ષણના વિસ્તરણ માટે ખાનગી ક્ષેત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને જાહેરમાં પ્રતિસાદ આપનાર પ્રથમ ઉદ્યોગપતિ બન્યા છે. વડાપ્રધાન મોદીએ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધના (Russia-Ukraine war) પગલે આ ટિપ્પણી કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે બંને દેશમાંથી ભારતીય વિદ્યાર્થીઓને મોટાપાયે બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.
તેમણે એવું પણ સૂચન કર્યું કે રાજ્ય સરકારો જમીન ફાળવણી માટે સારી નીતિઓ ઘડે, જેથી કરીને ભારતમાંથી મોટી સંખ્યામાં ડોકટરો અને પેરામેડિકલ્સ બહાર પડી શકે. ભારતમાં મહત્વાકાંક્ષી ડોકટરો મેડિકલ કોલેજોમાં બેઠકોની અછત અને ઊંચી ફી – આ બે પડકારોનો સામનો કરે છે. અત્યારે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં લગભગ 90,000 બેઠકો છે, જે હેઠળ 1.6 મિલિયન ઉમેદવારોએ 2021માં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી હતી.
તેવી જ રીતે ખાનગી અને સરકારી કોલેજોમાં ફીમાં તફાવત ખૂબ જ સ્પષ્ટ છે. સરકારી કોલેજોમાં ફી રૂ. 67,000 થી રૂ. 300,000ની વચ્ચે હોઈ શકે છે, જ્યારે ખાનગી સંસ્થાઓની ફી રૂ. 1 કરોડ સુધી જઈ શકે છે. જે કારણે ભારતના હોનહાર વિદ્યાર્થીઓને ના છૂટકે રશિયા, યુક્રેન, ક્રોએશિયા રાષ્ટ્રોમાં મેડિકલ ડિગ્રીના અભ્યાસક્રમ માટે એપ્લાઈ કરવું પડે છે.