Breaking News : કેદારનાથના અકસ્માત બાદ, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર લગાવ્યો પ્રતિબંધ
kedarnath helicopter crash : કેદારનાથમાં આજે સર્જાયેલ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ, ઉત્તરાખંડ સરકારે કડક નિર્ણય લેતા વિવિધ સૂચનાઓ જાહેર કરી છે. ઉત્તરાખંડ સરકારે, ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર બીજો આદેશ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. આ નિર્ણય આગામી આદેશ સુધી ચાલુ રહેશે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, ઉત્તરાખંડના કેદારનાથમાં આજે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગૌરીકુંડ વિસ્તાર પાસે થયો હતો. વિગતો એવી સામે આવી રહી છે કે, હેલિકોપ્ટરમાં સવાર ગુજરાતના યાત્રિક સહીત તમામ 7 લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ખરાબ હવામાનને કારણે થયો હતો. આ અકસ્માતને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તરાખંડ સરકારે આ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે હેલિકોપ્ટર સેવાઓના સંચાલન અંગે SOP તૈયાર કરવા સૂચનાઓ આપી છે. આ માટે, તેમણે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો.
ઉત્તરાખંડ સરકારે જાહેર કરી સૂચના
ઉત્તરાખંડ રાજ્યમાં હેલિકોપ્ટર અકસ્માતોને ગંભીરતાથી લેતા, CM પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલન અંગે કડક સૂચનાઓ જાહેર કરી છે. જેમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક SOP તૈયાર કરવી જોઈએ, જેમાં ઉડાન પહેલાં હેલિકોપ્ટરની ટેકનિકલ સ્થિતિ તપાસવી અને હવામાન વિશે સચોટ માહિતી મેળવવી ફરજિયાત બનાવવી જોઈએ.
ટેકનિકલ નિષ્ણાતોની સમિતિની રચના
CM ધામીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ સમિતિ હેલિકોપ્ટર કામગીરીના તમામ ટેકનિકલ અને સલામતી પાસાઓની સંપૂર્ણ સમીક્ષા કરશે અને પછી SOP તૈયાર કરશે. તેમણે કહ્યું કે આ સમિતિ એ પણ સુનિશ્ચિત કરશે કે હેલિકોપ્ટર સેવાઓનું સંચાલન સંપૂર્ણપણે સલામત, પારદર્શક અને નિર્ધારિત ધોરણો અનુસાર થાય. આ સમિતિ ભૂતકાળમાં થયેલા હેલિકોપ્ટર અકસ્માતોની પણ સંપૂર્ણ તપાસ કરશે. તેમણે કહ્યું કે જો આ અકસ્માતો પાછળ કોઈ વ્યક્તિ કે સંસ્થાની બેદરકારી જણાશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
ચાર ધામ યાત્રા માટે હેલિકોપ્ટર પર પ્રતિબંધ
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના બાદ UKADA અને DGCA એ મોટો નિર્ણય લીધો છે. તેમણે ચાર ધામ યાત્રામાં હેલિકોપ્ટર સેવા પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી આદેશ સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો