Maharashtra : ‘શિવસેના’ શિંદે જૂથને મળતા ઉદ્ધવ ઠાકરે આકરા પાણીએ, કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં જઈશું, ચૂપ નહીં બેસીએ
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એકનાથ શિંદે જૂથને શિવસેનાનું (Shivsena) નામ અને નિશાન આપવામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ લોકશાહી પર સવાલ ઉઠાવ્યા હતા.
‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જાહેરાત કરવી જોઈએ કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે. સરમુખત્યારશાહી શરૂ થઈ છે. ‘ આ શબ્દોમાં ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપવામાં આવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે રીતે ધનુષ-બાણ અને શિવસેનાનું નામ શિંદે જૂથને આપવામાં આવ્યુ છે તેનાથી સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં જ મુંબઈ મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આમ કરીને મુંબઈ પર કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શિંદે જૂથ BMCની ભેટ કેન્દ્રના ચરણોમાં મૂકવા આતુર છે. પરંતુ જનતા અમને સાથ આપશે. લોકશાહીનું આ પ્રકારનું ઉલ્લંઘન જનતા સહન કરશે નહીં. ન્યાયતંત્રમાં સરકારની દાદાગીરી લાંબો સમય નહીં ચાલે. તો વધુમાં કહ્યું કે, તેમણે નામ અને ચિહ્નની ચોરી કરી છે. અમે અન્યાય સામે અમારી મશાલ પ્રગટાવી છે.જીત આપણી જ થશે.
સુપ્રીમ કોર્ટમાં જઈશું, પડકારીશું, ચૂપ નહીં બેસીએ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચ પોતાનો નિર્ણય ન આપે તેવુ અમે કહ્યુ હતુ. પરંતુ અમારી અપીલની અવગણના કરવામાં આવી હતી. આ અણધાર્યા નિર્ણય સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. રામાયણમાં જે રીતે રામ જીત્યા, તેવી જ રીતે આપણે પણ અંતમાં જીતીશું. અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે. લોકશાહીને જીવંત રાખવા માટે દરેકની નજર આ કેસ પર છે.
કેન્દ્રને બાળાસાહેબના નામની જરૂર – ઉદ્ધવ ઠાકરે
તો વધુમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ધનુષ અને તીરની ચોરી શિંદે જૂથને પચશે નહીં. ચોરોને ચોરીની મજા લેવા દો, પરંતુ આ લડાઈ અંત સુધી ચાલશે. આ ધૃતરાષ્ટ્રનું મહારાષ્ટ્ર નથી. હિંમત રાખો, પીછેહઠ ન કરો, લડતા રહો. તેમ છતાં કેટલાક નેતાઓ શિંદે જૂથ સાથે ગયા હતા. પરંતુ જે લોકોએ તેમને નેતા બનાવ્યા, તે કાર્યકરો, તે શિવસૈનિકો અમારી સાથે છે. ચૂંટણી આવવા દો, ખબર પડશે.પીએમ મોદીનું નામ મહારાષ્ટ્રમાં ચાલતું નથી.એટલા માટે કેન્દ્રને બાળાસાહેબના નામની જરૂર છે.