MUMBAI : મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઘટતાંની સાથે જ અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોરોનાકાળ દરમિયાન બંધ રહેલી શાળાઓને ફરીથી ખોલવાનું કામ શરૂ કરાયું છે. હવે કોરોનામુક્ત વિસ્તારોમાં 8 થી 12 સુધી શાળાઓ શરૂ થશે.
મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત, કોરોનામુક્ત વિસ્તારો અને ગ્રામ પંચાયતોના નિયંત્રણ હેઠળના ગામોની શાળાઓમાં 8 થી 12 સુધી વર્ગો શરૂ કરવામાં આવશે.પરંતુ આને લગતા નિર્ણય લેવાનો અધિકાર ગ્રામ પંચાયતોને આપવામાં આવ્યો છે. એટલે કે પરિસ્થિતિઓને જોતા તેઓ નિર્ણયો લઈ શકશે.
આ માટે ગ્રામ પંચાયતોને શાળા શરૂ કરતા પહેલા વાલીઓ સાથે વાત કરવા સૂચના આપવામાં આવી છે. આ સથે જ વિદ્યાર્થીઓને એક સાથે ન બોલાવવા પરંતુ તબક્કાવાર રીતે બોલાવવા કહ્યું છે. અઠવાડિયાના દિવસો પર એકતારાએઅથવા સવાર અને બપોરે બે પાળી જેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ, જેનાથી સામાજિક અંતર જળવાઈ રહે.
એક બેંચ પર એક જ વિદ્યાર્થી બેસશે શાળાઓએ કોરોના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવી પડશે. સરકાર દ્વારા જણાવવામાં આવેલા નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે. એક બેંચ પર ફક્ત એક જ વિદ્યાર્થીને બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. બે વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું જરૂરી છે.
એક રૂમમાં વધુમાં વધુ 15 થી 20 વિદ્યાર્થીઓ હોવા જોઈએ. વારંવાર સાબુથી હાથ ધોવાના નિયમનું પાલન કરવું,માસ્ક નો ઉપયોગ કરવો, જો કોઈ લક્ષણો જોવા મળે તો વિદ્યાર્થીને ઘરે મોકલવા અને તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવવો જેવા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્દેશો અપાયા સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ જો શક્ય હોય તો સંબંધિત શાળાઓના શિક્ષકોની રહેવાની વ્યવસ્થા જ્યાં શાળા હોય ત્યાં જ કરવી જોઇએ. આ સાથે, જાહેર પરિવહન દ્વારા તેમને મુસાફરી કરતા રોકવા પણ જરૂરી છે. શાળા પરિસરમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. શાળાઓમાં સેનિટાઇઝર, સાબુ જેવી ચીજોની ઉપલબ્ધતા સુનિશ્ચિત થવી જોઈએ.
નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો શાળાને ક્વોરેન્ટાઇન સેન્ટર તરીકે ચલાવવામાં આવી રહી હોય, તો ક્વોરેન્ટાઇન સેન્ટર અન્યત્ર સ્થળે ખસેડવું જોઈએ અને શિક્ષણકાર્ય શરૂ કરતા પહેલાં શાળાના પરિસરને સેનિટાઈ કરવું જોઈએ.જો ક્વોરેન્ટાઇન સેન્ટર અન્યત્ર લેવાનું શક્ય ન હોય, તો વર્ગો ખુલ્લા સ્થળોએ અથવા બીજે ક્યાંક યોજવા જોઈએ. શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવો પણ જરૂરી છે. તેમનો RAT અથવા RTPCR ટેસ્ટ થવો જરૂરી છે.
આ પણ વાંચો : CBSE નો મોટો નિર્ણય, હવે વર્ષમાં બે વાર લેવાશે ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ