મહારાષ્ટ્રમાં વકર્યો વાઈનનો વિવાદ, અન્ના હજારેએ સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આપી આંદોલનની ચીમકી
અણ્ણા હજારેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. અણ્ણા હજારેએ તેમના પત્રમાં ચેતવણી આપી છે કે તેઓ રાજ્ય સરકારના આ નિર્ણય સામે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે.
સમાજ સેવક અણ્ણા હજારે (Anna Hazare) ફરી એકવાર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે. આ વખતે તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ હડતાળ પર બેસવાના છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુપર માર્કેટ, મોલ અને ગ્રોસરી સ્ટોર્સમાં વાઇન વેચવાની પરવાનગી આપી છે. અણ્ણા હજારે આ નિર્ણયથી ખૂબ નારાજ છે. તેમનું સ્પષ્ટ માનવું છે કે તેનાથી મહારાષ્ટ્રમાં નશાખોરી વધશે. અણ્ણા હજારેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પણ પત્ર લખીને પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. અણ્ણા હજારેએ તેમના પત્રમાં ચેતવણી આપી છે કે તેઓ રાજ્ય સરકારના આ નિર્ણય સામે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે.
આ પહેલા પણ અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ નિર્ણયને ખેદ જનક ગણાવતા તેમણે કહ્યું કે સરકારનું કામ વ્યસન મુક્તિ માટે પગલાં લેવાનું છે નહી કે, આવક વધારવા માટે નશાખોરીને પ્રોત્સાહન આપવાનું. તેમણે કહ્યું હતું કે મહા વિકાસ આઘાડી સરકારના આ નિર્ણયથી લોકોમાં નશાનું વ્યસન ચોક્કસપણે વધશે. હવે અણ્ણાએ સીધી અચોક્કસ મુદ્દતની હડતાળની ચેતવણી આપીને ઠાકરે સરકારની ચિંતા વધારી દીધી છે.
અણ્ણાએ ઉપવાસનું એલાન કર્યું, ચેતવણી આપીને સીએમને સંદેશો પાઠવ્યો
Social activist Anna Hazare writes to Maharashtra CM Uddhav Thackeray against the state govt's decision to allow the sale of wine in supermarkets and walk-in shops.
In the letter, Hazare also warned the state govt to go on infinite strike against the decision. pic.twitter.com/gaMikXf6lr
— ANI (@ANI) February 5, 2022
મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
મહા વિકાસ આઘાડી સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સુપર માર્કેટ, મોલ્સ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચાણની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે મોલ અને સુપર માર્કેટ સહિતની આવી કરિયાણાની દુકાનો કે જેમાં 1000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં વાઇન વેચી શકાશે.
આ માટે તેઓએ પોતાની દુકાનોમાં એક અલગ કોર્નર બનાવવો પડશે. રાજ્ય સરકારે સરકારી તિજોરીમાં નાણાં એકત્ર કરવા માટે આ નિર્ણય લીધો છે. તેની તરફેણમાં કહેવામાં આવ્યું છે કે આનાથી ખેડૂતોના નફામાં વધારો થશે.
વિપક્ષનો વિરોધ તો વ્યર્થ ગયો, શું હવે અન્નાની ચેતવણીથી ઠાકરે સરકાર બદલશે નિર્ણય?
NCP નેતા નવાબ મલિક અને શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ નિર્ણયની તરફેણમાં કહ્યું હતું કે તેનાથી ફળ ઉત્પાદક ખેડૂતોને ફાયદો થશે. તેમના ઉત્પાદનોનું વેચાણ વધશે અને તેમને યોગ્ય ભાવ મળશે. ભાજપ વતી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને મહારાષ્ટ્રને ‘મદ્યરાષ્ટ્ર’ બનાવવાનું પગલું ગણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેએ કહ્યું હતું કે આજે વાઈન વેચાશે, કાલે બીયર વેચાશે તો મહિલાઓ પણ પીવા લાગશે. તેના પર ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષને વાઈન અને દારૂ વચ્ચેનો તફાવત ખબર નથી. NCP ચીફ શરદ પવારે કહ્યું હતું કે આ નિર્ણયનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. વિરોધને જોતાં જો નિર્ણય પાછો ખેંચવો પડશે તો મને કોઈ વાંધો નહીં હોય.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે જ્યારે વાઈન અને દારૂમાં મોટો તફાવત છે તો પછી દારૂની દુકાનો આગળ વાઈન શોપ કેમ લખવામાં આવે છે? ત્યાં લખેલું હોવું જોઈએ ‘અમૃત શોપ’ અથવા ‘મિલ્ક શોપ.’ જ્યારે ગામડાની મહિલાઓ તેમને ચપ્પલ વડે મારશે ત્યારે ખબર પડશે. પરંતુ વિપક્ષના જોરદાર વિરોધ છતાં મહારાષ્ટ્ર સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી. હવે જોવાનું એ છે કે અણ્ણા હજારેના આ પત્ર પર મહા વિકાસ આઘાડી સરકાર શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો : મુંબઈમાં ટ્રાફીકને કારણે થાય છે 3 ટકા યુગલોમાં છૂટાછેડા, અમૃતા ફડણવીસના નવા નિવેદને ઉભો કર્યો વિવાદ