Maharashtra: વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારેએ દિલ્હીના મુખ્યમંત્રી પર સાધ્યું નિશાન, આપ્યુ આ નિવેદન
રાલેગણસિદ્ધિ ખાતે દેશના 14 રાજ્યોના 86 કાર્યકરો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારેએ ફરી એક વખત જન આંદોલન શરૂ કરવાનો સંકલ્પ કર્યો. આ માટે રાષ્ટ્રીય સ્તરે એક સંગઠન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું.
વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારેના (Anna Hazare) ગામ રાલેગણસિદ્ધિમાં રાષ્ટ્રીય કાર્યકરોની શિબિરમાં અન્નાએ રાષ્ટ્રીય મુદ્દા પર ઉગ્રતાથી પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress) કે ભાજપ (BJP) બંનેમાંથી કોઈ પણ પાર્ટીથી દેશ માટે કંઈ સારું થઈ શકે એમ નથી.
તેમણે કહ્યું હતું કે “દરેક વ્યક્તિ પૈસાથી સત્તા અને સત્તાથી પૈસા મેળવવામાં વ્યસ્ત છે. જો કોઈ પણ સરકાર સ્વતંત્રતાનો અર્થ સ્વચ્છંદતા સમજે છે તો જનસંસદને શક્તિશાળી બનાવવી જરૂરી બની જાય છે. આ રીતે જો જનતા જાગૃત બને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પણ પાડી શકાય છે. દેશને બચાવવાનો બીજો કોઈ રસ્તો નથી.”
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં તેમના ગામમાં શિબિરનું માર્ગદર્શન આપતી વખતે અણ્ણાએ કહ્યું હતું કે તે કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પક્ષના હાથમાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ નથી. દેશમાં પરીવર્તન લાવવું હોય તો સરકાર કોઈ પણ પાર્ટીની હોય તેના પર જનસંસદ દ્વારા દબાણ લાવવાની જરૂર છે.
2011ના લોકપાલ આંદોલન દરમિયાન અમે આ સંકલ્પ સાથે ટીમ તૈયાર કરી હતી. પરંતુ કેટલાક લોકોના મનમાં રાજકીય મહત્વાકાંક્ષાએ જન્મ લીધો અને ટીમ તૂટી ગઈ. કેટલાક મુખ્યમંત્રી બન્યા, કેટલાક ગવર્નર, કેટલાક મંત્રી બન્યા પણ નુક્સાન દેશનું થયું. આ શબ્દોમાં અન્નાએ માત્ર કોંગ્રેસ અને ભાજપ પર જ કટાક્ષ ન કર્યો, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.
જન આંદોલન માટે ફરી એક વખત રાષ્ટ્રીય સંગઠન તૈયાર કરશે અન્ના
રાલેગણસિદ્ધિ ખાતે દેશના 14 રાજ્યોના 86 કાર્યકરો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રવિવારે સમાપ્ત થઈ. વરિષ્ઠ સામાજિક કાર્યકર અન્ના હજારેએ આ રાષ્ટ્રીય કાર્યકર તાલીમ શિબિરના માધ્યમ દ્વારા ફરી એક વખત જન આંદોલન કરવાનો સંકલ્પ કર્યો. આ માટે રાષ્ટ્રીય સ્તરે એક સંગઠન બનાવવાનું નક્કી થયું. તેમણે તેમના કાર્યકરોને લાંબાગાળાની યોજના બનાવવા અને કામ શરૂ કરવાની સૂચના આપી છે.
આ પ્રસંગે અન્ના હજારેએ કહ્યું કે કેટલાક લોકો મારા પર ટિપ્પણી કરે છે, પરંતુ હું તેમના પર ધ્યાન આપતો નથી. તે મારું કામ નથી. મારું કામ સમાજ અને દેશ માટે છે. સત્યનો ક્યારેય પરાજય થતો નથી. મારો કોઈ સ્વાર્થ નથી. હું 46 વર્ષથી મંદિરમાં રહું છું. મારે કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. મને માત્ર દેશ અને સમાજની ચિંતા છે. ”
ખેડૂતોના આંદોલનને મારો ટેકો, સરકાર આ સમસ્યાને લઈને ગંભીર નથી
દિલ્હી સરહદ પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના મુદ્દે બોલતા અણ્ણાએ કહ્યું કે હું ઘણા વર્ષોથી ખેડૂતોની સમસ્યાઓ માટે આંદોલન કરી રહ્યો છું. 23 માર્ચ 2018 અને 30 જાન્યુઆરી 2019ના રોજ મેં ખેડૂતો સાથે મળીને આંદોલન કર્યું. દિલ્હીમાં છેલ્લા 9 મહિનાથી જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તેને મારુ સમર્થન છે. મેં પણ એક દિવસનો ઉપવાસ કર્યો.
સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે જરા પણ ગંભીર નથી. કૃષિ ઉત્પાદનો પર C-2ની ઉપર 50 ટકા એમએસપી લાગુ થવી જોઈએ. આ માટે કેન્દ્ર સરકારે ઉચ્ચ સત્તા ધરાવતી સમિતિની રચના કરવાની લેખિત ખાતરી આપી છે.
ઠાકરે સરકારને આપ્યું અલ્ટીમેટમ, લોકાયુક્ત કાયદો સક્ષમ કરો નહીંતર થશે જન આંદોલન
ગયા અઠવાડિયે અન્ના હજારેએ રાજ્યમાં લોકાયુક્ત કાયદાને સક્ષમ કરવા માટે મહા વિકાસ અઘાડી સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો હતો. અન્યથા તેમણે જાન્યુઆરીથી આંદોલનની ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે લોકાયુક્ત અધિનિયમ સંપૂર્ણ શક્તિ સાથે અમલમાં આવશે અથવા તો ઠાકરે સરકાર પડી જશે.