Sameer Wankhede Case: ‘સમીર વાનખેડેએ ધર્મ બદલ્યો, એવું લાગતું નથી’, રાષ્ટ્રીય SC કમિશનના ઉપાધ્યક્ષનું મોટું નિવેદન
અરુણ હલદરે કહ્યું, જ્યારે મેં તેમને પૂછ્યું કે શું તમે શેડ્યૂલ કાસ્ટના છો? તેમણે આનો જવાબ હામાં આપ્યો અને મારી સામે કેટલાક પુરાવા પણ મૂક્યા. તેમની સાથે વાત કર્યા પછી અને તેમની પાસેના દસ્તાવેજો જોયા પછી મને જાણ થઈ કે તે મહાર જાતિના છે.
‘એનસીબી અધિકારી સમીર વાનખેડેના (Sameer Wankhede) ડોક્યુમેન્ટ મેં જોયા છે. વાનખેડે એ ક્યારેય ધર્મ બદલ્યો હોય, એવું અત્યાર સુધી જોવા મળ્યુ નહીં.’ આ નિવેદન રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ઉપાધ્યક્ષ અરુણ હલધર (Arun Haldhar) દ્વારા આપવામાં આવ્યું છે. તેનાથી સમીર વાનખેડેને મોટી રાહત મળવાની આશા છે. રાષ્ટ્રીય એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરે આજે સમીર વાનખેડે સાથે મુલાકાત કરી હતી.
બંને વચ્ચે લગભગ એક કલાક સુધી ચર્ચા થઈ હતી. વાનખેડેએ અરુણ હલધરની સામે તેમના જાતિના પ્રમાણપત્ર સહિત અનેક દસ્તાવેજો રજૂ કર્યા. આ પછી મીડિયા સાથે વાત કરતા હલધરે સ્પષ્ટતા કરી કે સમીર વાનખેડેએ ક્યારેય પોતાનો ધર્મ બદલ્યો નથી.
‘વાનખેડેએ પુરાવા રજૂ કર્યા, તે અનુસૂચિત જાતિના છે’
હલધરે કહ્યું કે સમીર વાનખેડેએ તેમને જણાવ્યું કે તે ડ્રગ્સ વિરુદ્ધ કામ કરે છે, તેથી કેટલાક લોકો જાતિના કારણે તેના પરિવાર પર હુમલો કરી રહ્યા છે. અરુણ હલદરે કહ્યું, જ્યારે મેં તેમને પૂછ્યું કે શું તમે શેડ્યૂલ કાસ્ટના છો? તેમણે આનો જવાબ હામાં આપ્યો અને મારી સામે કેટલાક પુરાવા પણ મૂક્યા.
તેમની સાથે વાત કર્યા પછી અને તેમની પાસેના દસ્તાવેજો જોયા પછી મને જાણ થઈ કે તે મહાર જાતિના છે. તેમણે મને તેમની પારિવારિક બાબત પણ જણાવી. તેમના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ થયા હતા. મેં તેને લગતા રેકોર્ડ તપાસ્યા. તેમણે ધર્મપરિવર્તન કર્યું ન હતું. તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી.
એક તરફી નિર્ણયો નહીં આપું – અરુણ હલધર
નેશનલ એસસી કમિશનના ઉપાધ્યક્ષ અરુણ હલધરે કહ્યું ‘સમીર વાનખેડે શિક્ષિત છે. તેઓ કાયદો જાણે છે. તેમની પાસે તેમની જાતિ સંબંધિત પ્રમાણપત્રો ઉપલબ્ધ છે. આમ છતાં જો તેમની જ્ઞાતિને લઈને કોઈ ફરિયાદ અમારી પાસે આવશે તો તેની ચોક્કસ તપાસ કરવામાં આવશે. કોઈ પણ નિર્ણય એક તરફી નહીં હોય. હું જોઈશ કે મહારાષ્ટ્ર સરકાર આ અંગે શું કરે છે. તે પછી નેશનલ એસસી કમિશન તેનું કામ કરશે.
અરુણ હલધર ભાજપના વ્યક્તિ: નવાબ મલિક
અરુણ હલધર દ્વારા મીડિયાને આપવામાં આવેલા આ નિવેદન પર એનસીપીના રાષ્ટ્રીય પ્રવક્તા નવાબ મલિકે પોતાની પ્રતિક્રિયા આપી છે. નવાબ મલિકે કહ્યું કે અરુણ હલધર બીજેપીના વ્યક્તિ છે તેથી તે આવું કહી રહ્યા છે. સમીર વાનખેડેનું કાસ્ટ સર્ટિફિકેટ મુંબઈ શહેરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઑફિસમાંથી બનાવવામાં આવ્યું છે. આ અંગે તપાસ થશે ત્યારે સત્ય બહાર આવશે.
આ પણ વાંચો : Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન