Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન
માનેશિંદેએ કહ્યું મને લાગે છે કે બે લોઅર કોર્ટે તેમની સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. તેના કારણે ત્રણ જગ્યાએ (મેજિસ્ટ્રેટ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ) લડાઈ લડવી પડી હતી.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan) ધરપકડ પછી વકીલ સતીશ માનેશિંદે મુંબઈ હાઈકોર્ટ દ્વારા જામીન ન મળે ત્યાં સુધી ખાન પરિવારની પડખે ઊભા હતા. માનેશિંદે અગાઉ સંજય દત્ત, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સૌવિક ચક્રવર્તી જેવી હસ્તીઓના જામીન માટેની લડાઈ લડી ચૂક્યા છે. હવે તેણે આર્યન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સતીશ માનેશિંદેએ આર્યન ખાનને લકી મેન ગણાવ્યો છે.
મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં માનશિંદેએ કહ્યું કે આર્યન ખાન ભાગ્યશાળી છે કે તેમને વકીલોની આટલી સારી ટીમ મળી. એવા હજારો લોકો છે, જે આના અભાવમાં જેલમાં જ જીવી રહ્યા છે. માનેશિંદેએ કહ્યું, મને લાગે છે કે બે લોઅર કોર્ટે તેમની સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો.
આવા કારણોસર કાયદો અને વ્યવસ્થા પર ભારણ વધે છે. જેના કારણે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ સતત વધી રહ્યા છે. જો નીચલી અદાલત દ્વારા પહેલા દિવસે જ આ અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હોત તો તેમની પ્રશંસા થઈ હોત. પરંતુ તે બન્યું નહીં. આ કારણે ત્રણ જગ્યાએ (મેજિસ્ટ્રેટ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ) લડાઈ લડવી પડી હતી.
‘આર્યન ખાને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, સામાન્ય માણસની શું હાલત થતી હશે’
સતીશ માનેશિંદેએ કહ્યું કે જો કોઈ સુપરસ્ટારના પુત્રને કોઈ નક્કર પુરાવા વિના 25 દિવસ સુધી આટલી હાડમારીનો સામનો કરવો પડ્યો હોય તો કલ્પના કરો કે એક ગરીબ માણસે કેટલું સહન કરવું પડતું હશે. આપણા દેશમાં એવા હજારો લોકો છે જેઓ પોતાના માટે વકીલ રાખી શકતા નથી. તેઓ અભણ, ગરીબ અને ઉપેક્ષિત છે. આપણા દેશ અને ન્યાયતંત્રે આવા લોકોની કાળજી લેવી જોઈએ અને પરિસ્થિતિ ને સુધારવી જોઈએ.
2 ઓક્ટોબરની રાત્રે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને આખરે 28 ઓક્ટોબરે મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને આ રીતે તે આખી પ્રક્રિયામાંથી પસાર થઈને 30 ઓક્ટોબરે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો. આર્યનને 14 શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે.
આમાંની એક શરત એ છે કે આર્યન ખાન પોલીસને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં. તેણે દર શુક્રવારે NCB ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવું પડશે. જામીન માટે તેણે એક લાખ રૂપિયાના અંગત બોન્ડ જમા કરાવવાના રહેશે. તેણે તેનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.