મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ચૂંટણી પંચ બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેમાં મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર આ 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે ઝારખંડની 81 વિધાનસભા બેઠકો માટે 13 અને 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્વારા કેટલાક સવાલ કરવામાં આવ્યા હતા. જેમાં એક સવાલ એ પણ હતો કે, મહિલાઓ બુરખો પહેરીને મતદાન કરવા જઈ શકે ? તેના માટે શું નિયમ છે. આના પર ચૂંટણી કમિશનરે જવાબ આપ્યો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, આ માટે ચૂંટણીના નિયમોની કલમ 35માં મતદારની ઓળખ અને કલમ 34માં મહિલા મતદારોની ઓળખ માટેના નિયમો આપવામાં આવેલા છે, જે મુજબ અધિકારી કોઈપણ મતદારની ઓળખ માટે તેની તપાસ કરી શકે છે, પરંતુ સાંસ્કૃતિક પાસાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ ઉપરાંત દરેક મતદાન મથક પર ચૂંટણી પંચ દ્વારા અલગ-અલગ અધિકારીઓ તૈનાત કરવામાં આવે છે. આમાં એક ફર્સ્ટ ઓફિસર પણ છે, જેનું કામ એવા મતદારોને ઓળખવાનું છે કે જેના પર કોઈ પ્રકારની શંકા હોય. આ ચૂંટણી અધિકારી કોઈને પણ તેનું ID બતાવવા માટે કહી શકે છે અને તેમની ઓળખ ચકાસવા માટે કહેવામાં આવી શકે છે.
તાજેતરમાં હૈદરાબાદ લોકસભા મતવિસ્તારમાં જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે બીજેપી ઉમેદવાર માધવી લતા ચૂંટણી દરમિયાન બુરખો હટાવીને ઘણી મહિલા મતદારોના આઈડી ચેક કર્યા હતા. જે બાદ હોબાળો થયો હતો અને તેમના વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કોઈ ઉમેદવારને કોઈ શંકા હોય તો તે ચૂંટણી અધિકારીઓને તેની ફરિયાદ કરી શકે છે. મતદાન મથક પર આ પ્રકારનું ચેકિંગ કરવાનો અધિકાર નિયમો અનુસાર, ચૂંટણી અધિકારી અથવા પોલિંગ એજન્ટનો છે. ઉમેદવાર તપાસ કરી શકતા નથી.