‘બહુમતી સાબિત કરો સીએમ ઉદ્ધવ ઠાકરે’, ભાજપે ફ્લોર ટેસ્ટની માગ કરી, કહ્યું શિવસેનાના 39 ધારાસભ્યોએ MVA સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું
દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis_રાજભવન પહોંચે તે પહેલાં, આઠ અપક્ષ ધારાસભ્યોએ ગૃહમાં વહેલામાં વહેલી તકે ફ્લોર ટેસ્ટ(Floor test)ની માગણી કરતા ગુવાહાટીથી ઈમેલ મોકલ્યા હતા. આ ઈમેલમાં તેમણે દાવો કર્યો છે કે ઠાકરે સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) બળવાને કારણે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Maharashtra Political Crisis)ના એક સપ્તાહ બાદ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP) એક્શનમાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો છે, જેમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવા માટે કહેવાની માંગ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.
ઉદ્ધવ સરકાર લઘુમતીમાંઃ દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને વિનંતી કરી કે તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા કહે. ફડણવીસે દાવો કર્યો હતો કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સરકાર લઘુમતીમાં જોઈ રહી છે કારણ કે શિંદે જૂથના 39 શિવસેના ધારાસભ્યોએ કહ્યું છે કે તેઓ સરકારને સમર્થન આપતા નથી. સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતા ફડણવીસે રાજ્યપાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે સંસદીય લોકશાહીમાં, ગૃહમાં બહુમતી સર્વોચ્ચ છે અને સરકાર ટકી રહેવા માટે જરૂરી છે. તેમણે રાજ્યપાલને વિનંતી કરી કે તેઓ મુખ્યમંત્રીને વહેલી તકે બહુમતી સાબિત કરવા કહે.
સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવી જોઈએ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે રાજ્યપાલને એક પત્ર સોંપ્યો છે, જેમાં તેમને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સરકારને ગૃહમાં બહુમત સાબિત કરવા કહે. મંગળવારે રાત્રે 10 વાગ્યે કોશ્યારીને મળ્યાના આગલા દિવસે ફડણવીસ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસ અહીં રાજભવન પહોંચે તે પહેલાં, આઠ અપક્ષ ધારાસભ્યોએ ગુવાહાટીથી ઈમેલ મોકલ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ વહેલી તકે ગૃહમાં તેમની બહુમતી સાબિત કરે. આ અપક્ષ ધારાસભ્યો અગાઉ શિવસેના સાથે જોડાયેલા હતા. શિંદેના નેતૃત્વમાં બળવાખોર ધારાસભ્યો પણ ગુવાહાટીની હોટલમાં રોકાયા છે. ફડણવીસની સાથે મહારાષ્ટ્ર રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને પક્ષના નેતાઓ સુધીર મુનગંટીવાર, પ્રવીણ દરેકર, ગિરીશ મહાજન અને આશિષ શેલાર રાજભવનમાં હતા.
શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ધમકીઓ
રાજ્યપાલને સોંપવામાં આવેલા પત્રમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શિવસેના અને ભાજપે 2019ની વિધાનસભા ચૂંટણી ગઠબંધન કરીને લડી હતી, પરંતુ ચૂંટણી પરિણામો બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શિવસેનાના 39 ધારાસભ્યો કોંગ્રેસ અને એનસીપી સાથેના પક્ષના જોડાણને સમાપ્ત કરવાના પક્ષમાં હતા, મુખ્યમંત્રી ઠાકરેએ વિધાનસભામાં બહુમતી ગુમાવી દીધી છે. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ધમકી આપવામાં આવી રહી છે.