PM Narendra Modi in Mumbai: PM મોદીએ મુંબઈમાં ક્રાંતિકારીઓની ગેલેરીનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ લોકલ પણ હતો અને વૈશ્વિક પણ
પીએમ મોદી મુંબઈ (PM Modi in mumbai) પહોંચ્યા કે તરત જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમનું સ્વાગત કરવા આઈએનએસ શિક્રા પોઈન્ટ પર પહોંચ્યા. અહીંથી પીએમ મોદી રાજભવન ગયા અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi in Mumbai) પૂણેમાં દેહુના કાર્યક્રમ બાદ મુંબઈ પહોંચ્યા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) મુંબઈના INS શિક્રા હેલીપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી ઠાકરેની સાથે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે હાજર હતા. આ પછી પીએમ મોદી રાજભવન પહોંચ્યા. ત્યાં વડાપ્રધાને જયભૂષણ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ પછી તેમણે ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું. રાજભવનમાં ક્રાંતિકારીઓની ગેલેરીના ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમમાં પીએમ મોદી અને સીએમ ઉદ્ધવ એક સાથે મંચ પર દેખાયા.
વર્ષ 2016માં જ્યારે સી વિદ્યાધર રાવ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા, ત્યારે રાજભવનમાં બ્રિટિશ જમાનાનું બંકર મળી આવ્યું હતું. આ જ બંકરમાં હવે એક સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચાપેકર ભાઈઓ અને વીર સાવરકર સહિતના ક્રાંતિકારીઓના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. આ ગેલેરી ક્રાંતિકારીઓની યાદમાં અને સ્વતંત્રતા સેનાનીઓના સન્માનમાં તૈયાર કરવામાં આવી છે. આ ગેલેરીનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું.
ક્રાંતિકારીઓની ગેલેરી દ્વારા યુવા પેઢી પ્રેરણા મેળવશે
આ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘આજે વટ પૂર્ણિમા પણ છે અને સંત કબીરની જન્મજયંતિ પણ છે. હું તમામ દેશવાસીઓને મારી શુભકામનાઓ આપું છું. એક ખૂબ જ સારા હેતુ માટે અમે બધા ભેગા થયા છીએ. ક્રાંતિકારીઓની વાર્તાઓને સમર્પિત ગેલેરીને સમર્પિત કરવામાં અમને અપાર આનંદ થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું ‘એ સ્થાન તે સ્થળથી દૂર નથી, જ્યાં બાપુએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું. દેશ આઝાદીના અમૃત પર્વની ઉજવણી કરી રહ્યો છે. દેશના બહાદુર લડવૈયાઓને યાદ કરવાનો આ સમય છે.
મહારાષ્ટ્રે સંત તુકારામથી લઈને બાબાસાહેબ આંબેડકર સુધી અનેક પ્રેરણાદાયી વ્યક્તિત્વો આપ્યા છે. દેશ છત્રપતિ શિવાજી મહારાજથી લઈને સંભાજી રાજે સુધીની પ્રેરણા લઈ રહ્યો છે. આ દેશને વીર સાવરકરના તપથી ઉર્જા મળી છે. માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં ક્રાંતિકારીઓ અલગ અલગ રીતે પોતાની લડાઈ લડી રહ્યા હતા. સાધનો ઘણા હતા, ધ્યેય એક હતું ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા. ભારતની આઝાદીએ વિશ્વને પ્રેરણા આપી. આપણો સ્વાતંત્ર્ય સંગ્રામ સ્થાનિક અને વૈશ્વિક હતો. આ ગેલેરી યુવા પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.