મુંબઈનો મરીન ડ્રાઈવ દરિયામાં ડૂબશે, ભાવનગર અને ઓખા માટે પણ જોખમ
દરિયાકાંઠે વસેલા મુંબઈના કેટલાક વિસ્તારો માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જાણીતા મરીન ડ્રાઈવ અને નરીમાન પોઈન્ટ વિસ્તાર દરિયામાં ડૂબી જશે. દેશના અન્ય શહેરોની સાથેસાથે ગુજરાતના ભાવનગર અને ઓખામાં પણ દરિયાના પાણી ધસી આવશે તેમ એક અહેવાલમાં જાહેર કરાયું છે.
અનેક હિન્દી અને પ્રાદેશિક ફિલ્મમાં મુંબઈના મરીન ડ્રાઈવનો નજારો તમે જોયો જ હશે. જો કે આ નજારો હવે બહુ સમય સુધી નહી રહે તેવા અહેલાલ એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આગામી થોડાક જ વર્ષોમાં મુંબઈની શાન સમાન મરીન ડ્રાઈવ અને તેની સાથે આવેલ નરીમાન પોઈન્ટ વિસ્તારમાં દરિયાના પાણી ધસી આવશે. એટલે કે મરીન ડ્રાઈવ દરિયાના પાણીમાં ડૂબી જશે.
આરએમએસઆઈના એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈના દરિયાકાંઠે આવેલ અનેક વિસ્તારો પૈકી મરીન ડ્રાઈવ અને નરીમાન પોઈન્ટ વિસ્તારની અનેક ઈમારતો પાણીમાં ગરકાવ થઈ જશે. મુંબઈના દરિયાકાંઠા વિસ્તારમાં બનાવેલા રોડમાંથી અનેક રોડ ઉપર દરિયાના પાણી લહેરાશે. તો દરિયાકાંઠે બાંધેલ ગગનચુંબી ઈમારતો સુધી હાઈટાઈડ દરમિયાન દરિયાના પાણી પહોચી જશે.
મુંબઈના અનેક વિસ્તારો ડૂબશે
આરએમએસઆઈના સંશોધન રિપોર્ટ અનુસાર, હાજી અલી દરગાહ, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા વર્લી સી લિંક, મરીન ડ્રાઈવ જેવા વિસ્તારો દરિયાના પાણીમાં ડૂબી જવાનો ઉલ્લેખ કરાયો છે. આઈપીસીસીના છઠ્ઠા ક્લાઈમેટ એસેસમેન્ટ રિપોર્ટના આધારે આરએમએસઆઈએ દ્વારા આ પ્રકારનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
દરિયાના પાણી 2030થી ઘૂસશે, 2050 સુધીમાં ડૂબી જશે
દરિયાના પાણીમાં ડૂબવાની સ્થિતિ માત્ર મુંબઈ શહેર પૂરતી જ નહીં હોય. દેશના અન્ય શહેરો કે જે દરિયાકાંઠે આવેલા છે તે કોચી, મેંગલુરુ, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ અને તિરુવનંતપુરમ જેવા શહેરોના અનેક વિસ્તારો દરિયાના પાણીમાં ગરકાવ થવાની ધારણા છે. એક અહેવાલ અનુસાર, 1874 થી 2004 ની વચ્ચે ઉત્તરીય હિંદ મહાસાગરમાં પાણીનું સ્તર દર વર્ષે 1.06 થી 1.75 મી.મી. ના સ્તરે વધી રહ્યું છે. 1993થી 2017ના સમયગાળાની વાત કરીએ તો તેમાં 3.3 મી.મી.ના સ્તરે વધારો થઈ રહ્યો છે. 1874 અને 2005 ની વચ્ચે હિંદ મહાસાગર લગભગ એક ફૂટ જેટલો વધ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાની સપાટીમાં વધારો થવાનું સૌથી મહત્વનું કારણ ગ્લોબલ વોર્મિંગ છે. આ કારણોસર, જો તમે તેના પર નજર નાખો, તો તમને ખબર પડશે કે છેલ્લા ચાર વર્ષમાં દેશના પશ્ચિમ કિનારે વાવાઝોડા ફુંકાવાની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે.
આ શહેરો પણ ડૂબશે
નિષ્ણાતો માને છે કે 2050 સુધીમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ કારણે વાવાઝોડાની માત્રા પણ ત્રણ ગણી વધશે. આવી સ્થિતિમાં ભારતના 12 શહેરોમાં પાણીનું સ્તર ભયજનક રીતે વધી જશે. એક અંદાજ મુજબ ગુજરાતના ભાવનગરમાં 2.60 ફૂટ, ઓખામાં 1.96 ફૂટનો વધારો થવાની ગણતરી છે. તો કોચીમાં 2.32 ફૂટ, માર્માગાવમાં 2.06 ફૂટ, પારાદીપમાં 1.93 ફૂટ, મુંબઈમાં 1.90 ફૂટ, તુતીકોરિનમાં 1.93 ફૂટ, ચેન્નાઈમાં 1.87 ફૂટનો વધારો થશે. વિશાખાપટ્ટનમમાં 1.77 ફૂટ અને મેંગલુરુમાં 1.87 ફૂટ દરિયો ઉચો આવશે. 2050થી આ બધું થવામાં ભલે મોડું થઈ ગયું હોય, પણ વર્ષ 2100 સુધીમાં તે ચોક્કસ થઈ જશે. તેમ આ અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે.