હવે રડવા માટે પણ ચૂકવવા પડશે પૈસા ? મુંબઈમાં શરૂ થયું અનોખું ‘દુઃખ સાંભળવાનું’ સ્ટાર્ટઅપ
સપનાના શહેર મુંબઈમાં જ્યાં અત્યાર સુધી લોકો દરિયાકિનારે ભેળ-પૂરી અને ચાની મજા માણવા આવતા હતા, ત્યાં હવે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કે, જે આધુનિક જીવનની એકલતા પર ભાર આપે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયો અનુસાર, અંધેરીના બીચ પર પૃથ્વીરાજ બોહરા નામનો એક યુવક અનોખો ‘ઠેલો’ લગાવીને બેઠો છે, જ્યાં તે કોઈ વસ્તુ નહીં પણ લોકોના ‘દુઃખ’ સાંભળે છે. આ ભાગદોડ ભરી દુનિયામાં માણસ એટલો એકલો પડી ગયો છે કે, હવે તેને પોતાની વાત સંભળાવવા માટે પણ પૈસા ચૂકવવા પડી રહ્યા છે.
પૃથ્વીરાજના આ અનોખા ‘સ્ટાર્ટઅપ’માં સામાન્ય ટેન્શન સાંભળવાના ₹250 અને મોટા દુઃખ માટે ₹500 નક્કી કરવામાં આવ્યા છે. આટલું જ નહીં, જો કોઈને પોતાની સાથે રડાવવા હોય તો તેના માટે ₹1000 નો ચાર્જ લેવામાં આવે છે. પૃથ્વીરાજનું કહેવું છે કે, તે સાયકોલોજી અને ફિલોસોફીનો જાણકાર છે. તે ડિપ્રેશનમાં રહેલા લોકોને મન હળવું કરવામાં મદદ કરે છે.
આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે કે, શું ટેકનોલોજીના યુગમાં આપણી પાસે એવા મિત્રો કે પરિવાર પણ નથી રહ્યા, જે આપણી વાત મફતમાં સાંભળી શકે? હજારોની ભીડ વચ્ચે પણ માણસની આ મજબૂરી અને ‘ભાડે મળતા કાન’ એ સમાજની વરવી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધી રહ્યું છે. શું આ માનસિક સ્વાસ્થ્ય માટેનો એક નવો રસ્તો છે કે પછી તૂટતા સામાજિક સંબંધોનું પરિણામ? આ સવાલ હવે દરેકના મનમાં ફરી રહ્યો છે.

