Monsoon Updates: હવામાન વિભાગની આગાહી, આગામી દિવસોમાં આ રાજ્યોમાં થશે ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ (Heavy Rain) પડશે. આ ઉપરાંત વિવિધ રાજ્યો માટે રેડ એલર્ટથી લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે.
સમગ્ર ભારતમાં પહેલો વરસાદ પડી ચુક્યો છે અને ચોમાસાએ (Monsoon 2022) દસ્તક આપી છે ત્યારે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડશે. આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદ પડશે. આ સાથે, હવામાન વિભાગે આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ જાહેર કરતા, પૂર્વોત્તર રાજ્યોમાં 17 જૂન સુધી ભારે વરસાદની ગતિવિધિઓની આગાહી કરી છે. IMD એ આ રાજ્યો માટે 17 જૂન સુધી ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુવાર અને શુક્રવાર માટે આસામ અને મેઘાલય માટે રેડ એલર્ટ ઉપરાંત, IMD એ અરુણાચલ પ્રદેશ માટે પણ 17 જૂન સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Rainfall activity is likely to increase gradually over Bihar, Jharkhand, Odisha and Gangetic West Bengal with fairly widespread to widespread rainfall with thunderstorm/ lightning/gusty winds during the next five days: India Meteorological Department
— ANI (@ANI) June 15, 2022
દિલ્હીમાં આગામી છ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાજવીજ અને ભારે પવનની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. મંગળવારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ હતું.
આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો-લેવલ ઇસ્ટર્લીની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે, IMD એ આગામી છ દિવસમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રવિવાર સુધીમાં તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડવાની સંભાવના છે.
ગુજરાતમાં પણ આગામી 5 દીવસમાં સારા વરસાદની શક્યતા
રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં સારો વરસાદ લાવે તેવી સિસ્ટમ અરબી સમુદ્રમાં તૈયાર થઈ છે જેને પરિણામે આગામી બે દિવસ સારો વરસાદ થઈ શકે છે. વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહેલા ગુજરાતના ખેડૂતો માટે સાારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં આગામી 5 દિવસમાં સારો વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે હાલમાં અરબી સમુદ્રમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સમગ્ર ગુજરાતમાં સારા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. આ વરસાદને પગલે ખેડૂતો મગફળી સહિતના પાકની વાવણી માટે શરૂઆત કરી શકે છે.