મહારાષ્ટ્રમાં આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી, ઔરંગાબાદમાં દેશની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ
દેશની સૌથી ઊંચી છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમાની ઊંચાઈ 52 ફૂટ છે. તેને પૂણેના પ્રખ્યાત કારીગર દીપક થોપટેએ બનાવ્યું છે. પ્રતિમાનું વજન સાત ટન છે અને તે કાંસાની ધાતુથી બનેલી છે.
આજે (ફેબ્રુઆરી 19, શનિવાર) સમગ્ર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj Jayanti in Maharashtra) ની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મરાઠીમાં ટ્વીટ કરીને મહારાજને તેમની 392મી જન્મજયંતિ પર યાદ કરીને તેમને નમન કર્યા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલામાં મહારાજની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા અને મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છાઓ પાઠવી. શિવનેરી કિલ્લા ખાતે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે અને સાંસદ સંભાજી રાજે (છત્રપતિ શિવાજી મહારાજના વંશજ)ની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આ દરમિયાન, છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ, એટલે કે શુક્રવારે સાંજે, ઔરંગાબાદમાં મહારાજની 52 ફૂટ ઊંચી પ્રતિમાનું પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. આ છત્રપતિ શિવાજી મહારાજની દેશમાં સૌથી ઊંચી પ્રતિમા છે.
આ પ્રસંગે, આતશબાજી અને ઢોલ નગારા અને લેસર લાઈટ શોની વચ્ચે, શિવાજી મહારાજને આદર્શ માનનારા અસંખ્ય લોકોએ ‘જય ભવાની, જય શિવાજી’ ના નારા લગાવ્યા. આ ઉદ્ઘોષનો પડઘો દૂર દૂર સુધી સંભળાયો. છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને સુંદર ફૂલોથી શણગારવામાં આવી હતી. આકર્ષક લાઈટો અને લેસર લાઈટોથી આસપાસનો નજારો અદ્ભુત હતો.
પહેલા મુખ્યમંત્રીના હસ્તે તેનું અનાવરણ થવાનું હતું, પછી આદિત્ય ઠાકરે સામે આવ્યા
પહેલા આ પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે થવાનું હતું, પરંતુ બાદમાં કોઈ કારણોસર કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના હસ્તે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રતિમાનું અનાવરણ થયું ત્યારે કોંગ્રેસના નેતા અને મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ, ઔરંગાબાદના પાલક મંત્રી સુભાષ દેસાઈ, શિવસેનાના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત ખૈરે હાજર હતા.
પ્રતિમાના અનાવરણ સમયે શિવસૈનિકોનો ઉત્સાહ દર્શાવ્યો હતો
ઔરંગાબાદના ક્રાંતિ ચોક ખાતે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે શિવસેનાના કાર્યકરોએ ભગવો ધ્વજ લહેરાવીને ઉત્સાહ દર્શાવ્યો હતો. લેસર લાઈટો, ભગવા ધ્વજ અને ‘જય ભવાની, જય શિવાજી’ના ગૂંજ ચારે તરફ સંભળાયો.
દેશની સૌથી ઊંચી પ્રતિમા વિશે કેટલીક ખાસ વાતો
દેશની સૌથી ઊંચી છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમાની ઊંચાઈ 52 ફૂટ છે. તેને પૂણેના પ્રખ્યાત કારીગર દીપક થોપટેએ બનાવ્યું છે. પ્રતિમાનું વજન સાત ટન છે અને તે કાંસાની ધાતુથી બનેલી છે. પ્રતિમાના ચબૂતરાની ઊંચાઈ 31 ફૂટ છે. ચબૂતરાની આજુબાજુ 24 કમાનોમાં 24 પ્રતિકૃતિઓ સ્થાપિત કરવામાં આવી છે. ચબૂતરાની આસપાસ સુંદર ફુવારો બનાવવામાં આવ્યો છે.
એક હાથી બનાવવામાં આવ્યો છે, જેની સૂંઢમાંથી પાણીનો ફુવારો નીકળશે. પ્રતિમાના નિર્માણમાં 98 લાખ રૂપિયા અને ચબૂતરાના નિર્માણમાં 255 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.