શિવસેના સાંસદ સંજય રાઉતે કિરીટ સોમૈયા અંગે આપ્યુ ચોંકાવનારૂ નિવેદન, જાણો શું છે મામલો
સાંસદ રાઉતે વધુમાં કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કાં તો આપણે ઘૂંટણિયે પડીને સરકારને નીચે પાડી દઈએ અથવા તો કાર્યવાહી કરવા તૈયાર થઈએ.
Maharashtra : મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ (BJP) પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કેન્દ્રીય એજન્સી EDનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજય રાઉતે કહ્યુ કે, મહારાષ્ટ્ર અને મરાઠી લોકો પર જે પ્રકારના હુમલા થઈ રહ્યા છે. બાળાસાહેબ ઠાકરેએ (Balasaheb Thackeray) કહેતા કે જો તમે કોઈ પાપ કર્યું નથી તો કોઈથી ડરવાની જરૂર નથી. તમે ગમે તેટલું દબાણ કરો, અમે ડરવાના નથી.
તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકી
વધુમાં સાંસદ રાઉતે કહ્યુ કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. કાં તો આપણે ઘૂંટણિયે પડીને સરકારને નીચે પાડી દઈએ અથવા તો કાર્યવાહી કરવા તૈયાર થઈએ. ભાજપના નેતાઓ તારીખ નક્કી કરે છે કે સરકાર હવે પડશે કે નહીં….પરંતુ હવે પડી જશે.
વધુમાં તેમણે કહ્યુ કે, હવે તપાસ એજન્સીઓએ ઠાકરે પરિવાર અને પવાર પરિવારને પણ હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે અમે ના પાડી, ત્યારે ત્રીજા દિવસે જ મારા નજીકના મિત્રો પર EDના દરોડા શરૂ થઈ ગયા. આ પછી મુલુંડના દલાલ (કિરીટ સોમૈયા) કહેવા લાગ્યા કે સંજય રાઉત હવે જેલમાં જશે. બાળાસાહેબ ઠાકરેએ આપણને ન નમવાનું શીખવ્યું હતું. તેથી ભાજપ જે ઈચ્છે તે કરે અમને કોઈ ફરક પડશે નહિ.
બંગલો નહીં બતાવો તો ચપ્પલથી મારીશ : સંજય રાઉત
સંજય રાઉતે કહ્યુ કે, મારી કિરીટ સોમૈયાને ચેતવણી છે, ઉદ્ધવ ઠાકરનો 19 નંબરનો બંગલો બતાવો જે તે અલીબાગમાં હોવાની વાત કરે છે. જો આવા બંગલા જોવા મળશે તો હું રાજકારણ છોડી દઈશ. કોરલાઈ ગામમાં 19 બંગલા હોવાની વાત થઈ રહી છે, જો તે મળી જશે તો હું રાજકારણ છોડી દઈશ. સાથે જ સંજય રાઉતે કિરીટ સોમૈયાને ભાજપનો દલાલ અને ફ્રન્ટ મેન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, જો આ 19 બંગલા નહીં બતાવવામાં આવે તો અમે સોમૈયાને ચપ્પલથી મારીશું.
રાઉતે વધુમાં કહ્યું કે, ED મારી 50 ગુંઠા જમીનની તપાસ કરી રહી છે. EDના અધિકારીઓએ મને તિહાર જેલમાં ધકેલી દેવાની ધમકી આપી છે. મને જેલમાં નાખી તો જુઓ, હું બધાને સાથે લઈને જઈશ.
આ પણ વાંચો : Maharashtra : દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરેથી EDની ટીમ રવાના, છોટા શકીલના સંબંધી સલીમની પૂછપરછ શરૂ