મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અચાનક દિલ્હી જવા રવાના, અમિત શાહને મળશે, કેબિનેટ વિસ્તરણની અટકળ ?
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આજે ગુરુવારે સાંજે અચાનક દિલ્હી જવા રવાના થયા. એકનાથ શિંદે દિલ્લીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળશે. એવુ માનવામાં આવે છે કે, અમિત શાહ સાથેની મુલાકાત સમયે મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા થવાની શક્યતા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુરુવારે સાંજે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા. તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે. દિલ્હી જતા પહેલા એરપોર્ટ પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમની ગુપ્ત મુલાકાત પણ થઈ હોવાની ચર્ચા છે. દિલ્હી જવા પાછળનું એક કારણ, આગામી સમયમાં મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ પર ચર્ચા પણ હોઈ શકે છે. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થગિત કરવામાં આવ્યું છે. આથી એવુ માનવામાં આવી રહ્યું છે કે, આ મુલાકાતનો હેતુ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની અંગે ચર્ચા થઈ શકે છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદીએ, ગઈકાલ બુધવારે રાત્રે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના ઘરે લાંબી ચર્ચા કરી હતી. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રમાંથી શિંદે જૂથના કોઈપણ નેતાનો નંબર આવવાની શક્યતા છે. મુલાકાતની ફળશ્રૃતી અંગેના કારણો ઘણા હોઈ શકે છે. વિરોધ પક્ષો એક થઈને ભાજપ વિરુદ્ધ સતત આક્રમક બની રહ્યા છે. શરદ પવારે પણ આજે ગુરુવારે પુણેમાં ભાજપના નેતૃત્વ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા. આવી સ્થિતિમાં ભાજપ અને શિંદે જૂથ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીનો કેવી રીતે સામનો કરી શકે છે, આ રણનીતિ પર પણ ચર્ચા થવાની શક્યતા છે.
કેબિનેટ વિસ્તરણ, ભાજપ-શિવસેના સંકલન, વિપક્ષનો સામનો કરવાની રણનીતિ પર ચર્ચા
ભાજપ અને શિંદેની શિવસેનાએ પરસ્પર સંકલન અંગે એક સંકલન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસો પહેલા શિવસેનાના શિંદે જૂથના પોસ્ટરો અને બેનરોમાં દેવેન્દ્ર ફડણવીસની તસવીર ના હોવાને કારણે અને સીએમ શિંદેની તેમની સાથે સરખામણી કરવાને કારણે વિવાદ ઊભો થયો હતો. આ પછી, સંકલન સમિતિ બનાવવાનું કહેવામાં આવ્યું હતું. બંને પક્ષોના 3 થી 5 સભ્યો આમાં સમાવેશ કરવામાં આવી શકે છે. અને દર અઠવાડિયે મહારાષ્ટ્રને લગતા પ્રશ્નો અને બન્ને પક્ષ વચ્ચે સંકલન સાધવા બેઠક યોજવામાં આવશે જેથી વિરોધ પક્ષોને પરસ્પર સંવાદિતાથી લડી શકાય. જુલાઈમાં બંને પક્ષના કાર્યકરોની સંયુક્ત રેલી પણ યોજાવા જઈ રહી છે. તે પહેલા સંપૂર્ણ એકતા અને તાકાત સાથે આગળ વધવાની રણનીતિ પર કામ કરવું પડશે.
આ બેઠકનું સાચું કારણ હાલ સ્પષ્ટ નથી, અલગ-અલગ અટકળો
આ સિવાય મહારાષ્ટ્ર રાજ્યના અનેક મુદ્દાઓ પર ઔપચારિક અને અનૌપચારિક ચર્ચા થઈ શકે છે. સૂત્રોને ટાંકીને સમાચાર છે કે, અમિત શાહ અને સીએમ શિંદે વચ્ચે આ મુલાકાત ગુરુવારે રાત્રે જ થઈ શકે છે. સીએમ શિંદે દિલ્હીથી મુંબઈ પરત ફરશે ત્યારે જ આ બેઠક અંગેની વિગતો જાહેર થઈ શકશે. હાલ આ બેઠકને લઈને માત્રને માત્ર અટકળો જ ચાલી રહી છે.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો