Maharashtra Assembly Speaker Election: મહારાષ્ટ્રના રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીનો પ્રસ્તાવ પરત કર્યો, મામલો કોર્ટમાં હોવાનું આપ્યું કારણ
દરખાસ્ત પરત કરતી વખતે રાજ્યપાલે કહ્યું છે કે મામલો કોર્ટમાં હોવાથી તેઓ આ પ્રસ્તાવને સ્વીકારી શકે તેમ નથી. રાજ્ય સરકારે આવતી કાલે (બુધવારે) સ્પીકરની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો.
રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની (Maharashtra Assembly Speaker) ચૂંટણીને લઈને રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલ પ્રસ્તાવ પરત કર્યો છે. દરખાસ્ત પરત કરતી વખતે તેમણે કહ્યું છે કે મામલો કોર્ટમાં હોવાથી તેઓ આ પ્રસ્તાવને સ્વીકારી શકે તેમ નથી. રાજ્ય સરકારે આવતી કાલે (બુધવારે) સ્પીકરની પસંદગી કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રાજ્યપાલ દ્વારા પ્રસ્તાવ પરત ફરવાના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટ સત્રમાં અધ્યક્ષની ચૂંટણીની આશા પણ ઘટી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટ સત્ર સમાપ્ત થવામાં હવે માત્ર એક અઠવાડિયુ બાકી રહ્યુ છે. આ પહેલા બજેટ સત્રના બીજા સપ્તાહે 9 માર્ચે મહા વિકાસ અઘાડી (Maha Vikas Aghadi) સરકારે સ્પીકરની ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી માટે ગુપ્ત મતદાન પદ્ધતિની પરંપરાને બદલીને વોઈસ વોટિંગ દ્વારા ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. નિયમોમાં ફેરફાર સામે રાજ્યપાલે વાંધો ઉઠાવ્યો હતો. આનાથી વિવાદ સર્જાયો હતો. રાજ્ય સરકારનું કહેવું છે કે રાજ્યપાલને વિધાનસભા કેવી રીતે કામ કરશે તે અંગે દખલ કરવાનો અધિકાર નથી.
રાજ્યપાલની મંજૂરીના અભાવે અગાઉ પણ ચૂંટણી થઈ શકી ન હતી
આ પહેલા પણ મહા વિકાસ અઘાડી સરકારે 9 માર્ચે સ્પીકરની ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારે પણ રાજ્યપાલની મંજૂરીના અભાવે ચૂંટણી થઈ શકી ન હતી. આ પછી મહા વિકાસ આઘાડીના મંત્રીઓએ રાજ્યપાલ સાથે મુલાકાત શરૂ કરી, ઘણી બેઠકો થઈ. રાજ્યપાલે આશ્વાસન પણ આપ્યું હતું પરંતુ આખરે પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.
ભાજપના નેતાએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે
ભાજપના પૂર્વ મંત્રી ગિરીશ મહાજને બોમ્બે હાઈકોર્ટમાં એવી અરજી દાખલ કરી હતી કે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં નિયમોમાં ફેરફાર કરવો બંધારણીય નથી. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે ગિરીશ મહાજનને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે, નિયમોમાં ફેરફાર કરીને સ્પીકરની ચૂંટણી ગેરબંધારણીય હોય તો કોર્ટના આદેશ છતાં આઠ મહિનાથી રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલી MLCની યાદી પર સહી ન કરનાર રાજ્યપાલ ગેરબંધારણીય નથી? કોર્ટે ઠપકો આપતા કહ્યું હતું કે, કોર્ટમાં રાજકીય લડાઈ લાવીને કોર્ટનો કિંમતી સમય બગાડો નહીં.
મહારાષ્ટ્રમાં રાજ્યપાલ નથી, ભાજપપાલ છેઃ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી ન થવાથી કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું છે. મહા વિકાસ અઘાડીમાં મુખ્યમંત્રી શિવસેનાના છે, નાયબ મુખ્યમંત્રી એનસીપીના છે, સ્પીકરનો ક્વોટા કોંગ્રેસનો છે. પરંતુ રાજ્યપાલ આ પ્રસ્તાવને સ્વીકારી રહ્યા નથી. જેના કારણે સ્પીકરની ચૂંટણી થઈ રહી નથી. રાજ્યપાલ દ્વારા પ્રસ્તાવના અસ્વીકારના જવાબમાં નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં રાજ્યપાલ નથી પરંતુ ભાજપપાલ છે. ગવર્નર દ્વારા આવું કરવાથી તેમને આશ્ચર્ય ન થયું. તેઓ એમ જ કરશે, તેનું તેમને અનુમાન હતું.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ને લઈને સુપ્રિયા સુલેએ કર્યો સવાલ, કાશ્મીરી પંડિતો માટે શું કરી રહી છે મોદી સરકાર