મુંબઈ, મહારાષ્ટ્રમાં એનસીપીના દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીની તેમના પુત્ર ઝીશાનની ઓફિસમાંથી બહાર નીકળતી વખતે ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગઈકાલ શનિવારે રાત્રે બની હતી. આ ઘટનામાં સામેલ બે આરોપીની મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેણે દાવો કર્યો છે કે, પકડાયેલા આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. લોરેન્સ બિશ્નોઈ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં કેદ છે.
બાબા સિદ્દીકીની હત્યાના આરોપીની પુછપરછ અને તપાસ કરવા માટે તપાસ એજન્સીઓ ટૂંક સમયમાં, અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે. આ માટે કાનૂની સલાહ લેવામાં આવી રહી છે, કારણ કે પૂછપરછ માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. આરોપીએ દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈ સાથે સંકળાયેલો છે. તપાસ એજન્સીઓ પૂછપરછ દરમિયાન એ જાણવાનો પ્રયાસ કરશે કે બાબા સિદ્દીકીના મૃત્યુનું કારણ સલમાન ખાન સાથેની નિકટતા છે કે અન્ય કોઈ કારણ છે.
અહેવાલો અનુસાર, સલમાન સાથે તેની નિકટતા સિવાય, બાબા સિદ્દીકીની હત્યા વ્યક્તિગત દુશ્મનાવટ અને જમીન વિવાદને કારણે પણ થઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. લોરેન્સ બિશ્નોઈના ગેંગ સાથે જોડાયેલા આરોપીની પહેલી પસંદ ઝિગાના પિસ્તોલ છે. બિશ્નોઈ ગેંગના શૂટર્સ ઘણીવાર ઝિગાના પિસ્તોલનો જ ઉપયોગ કરે છે. જોકે, પકડાયેલા આરોપીએ બાબા સિદ્દીકી ઉપર 9 એમએમ પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. હાલમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ આરોપીના દાવાઓની સત્યતા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોએ ઝિગાના પિસ્તોલથી અતિક અહેમદ અને અશરફ પર પણ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં સિદ્ધુ મૂસેવાલા ઉપર પણ ઝિગાના પિસ્તોલથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઝિગાના પિસ્તોલની વિશેષતા એ છે કે તે એક સમયે 15 રાઉન્ડ ફાયર કરે છે, ટ્રિગરથી હાથ લપસતો નથી અને ગોળીબાર કરતી વખતે શૂટરને કોઈ જોખમનો સામનો કરવો પડતો નથી. ઝિગાના પિસ્તોલ ભારતમાં પ્રતિબંધિત છે, તે તુર્કીમાં બને છે. તેને પાકિસ્તાનમાં ખૂબ પસંદ કરવામાં આવે છે, તેથી હત્યારાઓ તેને ડ્રોન દ્વારા સરહદ પારથી ભારતીય સરહદમાં આયાત કરે છે.
Published On - 1:02 pm, Sun, 13 October 24