Mumbai Rain: માયાનગરીમાં મુશળધાર મેઘ વચ્ચે હાઈ ટાઈડની ચેતવણી, સમુદ્રમાં ઉછળી શકે છે 4 મીટર ઊંચા મોજા
મુંબઈ (Heavy rain in Mumbai) શહેરમાં ગત શુક્રવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ હાઈડ ટાઈડની ચેતવણી પણ જોવા મળી છે.
મહારાષ્ટ્રના (Maharashtra Monsoon Update) મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ ચાલુ છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપી છે. વિભાગે કહ્યું કે સાંજે 4 કલાકનો સમય મુંબઈમાં હાઈ ટાઈડનો છે જ્યારે દરિયામાં 4.0 મીટર ઊંચા મોજા ઉછળશે. છેલ્લી માહિતી મુજબ મુંબઈમાં શુક્રવારથી જ વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. અનેક રાજમાર્ગો જળાશયોમાં ફેરવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી ચાર દીવસ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.
ચોમાસાની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી હાઈ-ટાઈડના શેડ્યુલની આગાહી
હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું હતું કે આ ચોમાસામાં અરબી સમુદ્રમાં 22 દીવસો હાઇ ટાઇડ્સના રહેશે. ગયા વર્ષે 18 દિવસ હાઈ ટાઈડ્સના હતા. સામાન્ય રીતે જોવા મળે છે કે, લોકો દરિયાકિનારા પર ભરતીનો આનંદ માણવા માટે ભેગા થાય છે અને જ્યારે સમુદ્રના ઊંચા મોજા અથડાય છે, ત્યારે તે ક્ષણ માણવા લાયક હોય છે. હવે સાવચેતીના ભાગરૂપે, BMC દ્વારા શહેરના છ બીચ પર પહેલાથી જ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં 186 સ્ટોર્મ વોટર આઉટલેટ્સ છે, જેમાંથી 45 દરિયાની સપાટીથી નીચે છે અને 135 ઉચ્ચ ભરતીના સ્તરે છે. એટલે કે માત્ર છ જ ઉચ્ચ સ્તરે છે.અહેવાલો અનુસાર, 5 જુલાઈના રોજ 4 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. 4.5 મીટરથી વધુ ભરતીનું સ્તર ખતરનાક છે કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ભારે પૂરની સંભાવના બની શકે છે.
નવી મુંબઈ-થાણે-કલ્યાણ-ડોમ્બિવલીમાં પણ વરસાદથી ખરાબ હાલાત
નવી મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. થાણે જિલ્લાના વસઈ-વિરાર અને નાલાસોપારા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. કલ્યાણ ડોમ્બિવલી વિસ્તારોમાં પણ અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાયગઢ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણ પૂર્વના હનુમાન નગરમાં ખડક ખસી જવાના સમાચાર સામે આવી રહ્યા છે.
આવી વસાહતોમાં વરસાદમાં ખડકો લપસી જવાથી અકસ્માતો થાય છે ત્યાં શું તૈયારી છે?
મુંબઈમાં એવી 72 જગ્યાઓ છે જ્યાં ભૂસ્ખલન થવાની સંભાવના છે. તેમાંથી 45ને જોખમી સ્થળો તરીકે ઓળખવામાં આવ્યા છે. BMC આવા સ્થળોની વસાહતોમાં રહેતા લોકોને નોટિસ આપીને તેમને જલ્દી સુરક્ષિત સ્થળોએ જવાનો આદેશ આપતી હોય છે. તેમજ આફત દરમિયાન તેમને ત્વરીત સલામત સ્થળે ખસેડતી હોય છે.