કચ્છવાસીઓની આતુરતાનો આવ્યો અંત, અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, 24 કલાકમાં અબડાસામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો

કચ્છના (Kutch) માંડવીના દુર્ગાપુર ગામની આસપાસ પણ ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદના (Rain) કારણે ગામમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jul 05, 2022 | 11:06 AM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) શરુઆતમાં જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ (Rain) પડ્યો હતો. જો કે સુકા રણપ્રદેશ એવા કચ્છમાં વરસાદની આતુરતાથી રાહ જોવાતી હતી. અંતે કચ્છવાસીઓ ચાતક નજરે જેની રાહ જોઇ રહ્યા હતા તેનો અંત આવ્યો છે. કચ્છના (Kutch) ઘણા વિસ્તારોમાં સોમવાર રાતથી એટલે કે ગઇકાલથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ખેતરમાં રહેલો પાક સુકાવા લાગ્યો હતા. પરંતુ વરસાદ વરસતા ખેતરમાં રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે.

કચ્છમાં વરસાદી માહોલ

કચ્છ જિલ્લામાં મોડી રાતથી અનેક તાલુકામા વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો અબડાસામા સાડા 3 ઇંચ (71MM) વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં સવા ઇંચ (30MM), મુન્દ્રામાં 4 ઇંચ વરસાદ (100MM), માંડવીમાં દોઢ ઇંચ (37MM) નોંધાયો છે. તો આ સાથે જ અંજાર,નખત્રાણા,ભુજ અને ભચાઉમા પણ વરસાદ નોંધાયો છે.

નદી-નાળાઓ છલકાયા

બીજી તરફ કચ્છના માંડવીના દુર્ગાપુર ગામની આસપાસ પણ ભારે વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ગામમાં પાણી ભરાઇ ગયા છે. લોકોને અવરજવરમાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. રાત્રીથી વરસી રહેલા વરસાદના પગલે નદી-નાળાઓ છલકાઇ ગયા છે. જો કે સારો એવો વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઇ ગઇ છે.

આગામી 5 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે.. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati