મહારાષ્ટ્રમાં (Maharashtra) રાજકીય સંકટ પુરુ થયું ત્યાં હવે મહારાષ્ટ્રમાં આસમાની આફત વરસી રહી છે. મુંબઈમાં શુક્રવારથી વરસાદ ચાલું છે. તેને જોતા સરકારની સાથે BMCએ ઘણા વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. BMCની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની સાથે NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓ ચેતવણીના સ્તરે પહોંચી ગઈ છે અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાવચેતી રાખવાના નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને જળ સંસાધન વિભાગને સતર્ક રહેવા અને જોખમી વિસ્તારના નાગરિકોને સમયસર સૂચના આપવા, સલામત સ્થળ પર લઈ જવા અને જાન-માલનું નુકસાન ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ચિપલુનની સ્થિતિ પર નજીકથી નજર રાખવા અને વારંવાર સૂચનાઓ આપીને નાગરિકોને ચેતવણી આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.
મુંબઈ, થાણે, રાયગઢ, ઉત્તર કોંકણના પાલઘરમાં અને દક્ષિણ કોંકણના સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-મધ્ય મહારાષ્ટ્રના પૂણે, નાસિક, નંદુરબારના ઘાટ વિસ્તારો અને દક્ષિણ-મધ્ય મહારાષ્ટ્રના સતારા અને કોલ્હાપુર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
પ્રાદેશિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે માછીમારોએ આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્ર-ગોવાના કિનારે ન જવું જોઈએ. તેમજ માલવનથી વસઈ બીચ સુધી 3.5 થી 4.8 મીટર ઉંચા મોજા ઉછળવાની શક્યતા છે.