મહારાષ્ટ્રમાં જાહેર મંચ પરથી એકનાથ શિંદે બોલ્યા ‘જય ગુજરાત’, મચ્યું રાજકીય ઘમસાણ, શિંદે – ઠાકરેની શિવસેના સામસામે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમના સંબોધનના અંતે જય ગુજરાતનો નારો લગાવતા, વિપક્ષે તેમના પર પસ્તાળ પાડી છે. એકનાથ શિંદે ઉપર બાળાસાહેબ શિંદેના આદર્શોનો નાશ કર્યો હોવાનું જણાવીને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ શાબ્દિક હુમલા કર્યા છે. જય ગુજરાતને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ, તેમના પ્રવચનના અંતે ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’નો નારો લગાવતા, સમગ્ર મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસણ મચ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મરાઠી ભાષાને લઈને ઉદ્ઘવ ઠાકરે – એકનાથ શિંદેની શિવસેના તેમજ રાજ ઠાકરેની મનસે વચ્ચે હોડ જામી છે. એકનાથ શિંદેએ મંચ પરથી જય ગુજરાત બોલવાના મુદ્દાને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ ઉછાળ્યો છે.
શિવસેના (UBT) ના નેતા કિશોરી પેડણેકરે કહ્યું કે, આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમિત શાહની હાજરીમાં ‘જય ગુજરાત’ કહ્યું. તો, શું આપણે હવે હિન્દીની સાથે ગુજરાતી પણ શીખવી પડશે ? તમે એક બાજુ બાળાસાહેબ ઠાકરેના આદર્શોને અનુસરવાનો દેકારો કરો છો અને બીજી બાજુ બાળાસાહેબ ઠાકરેના આદર્શોને નષ્ટ કરો છો. શું બાળાસાહેબે ક્યારેય ‘જય ગુજરાત’ કહ્યું હતું ? શું રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ક્યારેય એવું કહ્યું હતું ?
આજે શુક્રવારે મહારાષ્ટ્રમાં જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઉદ્ઘાટન કર્યા બાદ પ્રાંસગિક સંબોધન કર્યું હતું. આ સાથે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રીની પ્રશંસા કરી હતી. સંબોધનના અંતે એકનાથ શિંદેએ ‘જય હિંદ, જય મહારાષ્ટ્ર, જય ગુજરાત’નો નારા લગાવ્યા હતા, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય હોબાળો મચ્યો છે.
ગુજરાતીઓ લક્ષ્મીના પુત્ર
અગાઉ, એકનાથ શિંદેએ કહ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતી સમુદાય માટે ઐતિહાસિક દિવસ છે. અહીં કોઈ પણ વસ્તુની કમી નથી કારણ કે તમે બધા લક્ષ્મીના પુત્ર છો. પીએમ મોદી જે કાર્યનું ભૂમિપૂજન કરે છે તે ઝડપી ગતિએ સંપન્ન થાય છે. જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરનું ભૂમિપૂજન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની જ સરકારના સત્તાકાળમાં તેનુ ઉદ્ઘાટન અમિત ભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ગૃહમંત્રી પડકારોને તકો તરીકે માને છે
એકનાથ શિંદે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આપણા માટે સમાન છે. આવનારા સમયમાં, આ કેન્દ્રનો વધુ વિસ્તાર કરવામાં આવશે. અમિત ભાઈ દેશને પ્રાથમિકતા આપે છે અને પડકારોને તકો તરીકે માને છે. તેમની કાર્યશૈલીમાં મજબૂત દૃઢ નિશ્ચય છે. પ્રધાનમંત્રીની સાથે, નવા ભારતના નિર્માણમાં તેમનું પણ મહત્વનું યોગદાન છે.
અમિત શાહને કુશળ રણનીતિકાર ગણાવ્યા
એકનાથ શિંદેએ કહ્યું, અમિત ભાઈ એક કુશળ રણનીતિકાર છે. તેમણે વ્યૂહાત્મક નેતૃત્વ દ્વારા અશક્યને શક્ય બનાવ્યું છે. તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રથમ સ્થાન આપ્યું છે. આજે, હું, મુખ્યમંત્રી ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક ટીમ તરીકે કામ કરી રહ્યા છીએ. અમે મહારાષ્ટ્રને આગળ લઈ જઈ રહ્યા છીએ.