રાહુલ ગાંધી વિરૂદ્ધ નીચલી કોર્ટમાં સુનાવણી પર રોક, બોમ્બે હાઈકોર્ટમાં 18 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી, જાણો સમગ્ર મામલો
બોમ્બે હાઈકોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસની અંતિમ સુનાવણી માટે 18 જાન્યુઆરી 2022 તારીખ નક્કી કરી છે. આ સાથે હાઈકોર્ટે નીચલી કોર્ટને માનહાનિની ફરિયાદ પર સુનાવણી 25 જાન્યુઆરી સુધી મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
મુંબઈની એક સ્થાનિક કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Congress leader Rahul Gandhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ તેમના ‘કમાન્ડર ઈન થીફ’ નિવેદન માટે સમન્સ પાઠવ્યું છે. ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનાર ભાજપ નેતાએ ગુરુવારે બોમ્બે હાઈકોર્ટને (Bombay High Court) માહિતી આપી હતી. રાહુલ ગાંધીએ આ સમન્સને હાઈકોર્ટમાં પડકાર્યુ છે.
સ્થાનિક અદાલતે જોયું હતું કે પ્રથમ નજરે આ પુરાવા અપરાધ તરફ નિર્દેશ કરે છે. બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આ મામલાની અંતિમ સુનાવણી 18 જાન્યુઆરી, 2022ના રોજ નક્કી કરી છે. આ સાથે હાઈકોર્ટે નીચલી કોર્ટને માનહાનિની ફરિયાદ પર સુનાવણી 25 જાન્યુઆરી સુધી મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
આ છે સમગ્ર મામલો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મહેશ શ્રીશ્રીમાલ દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ફરિયાદના સંબંધમાં 25 નવેમ્બરે સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શ્રીશ્રીમાલ 1997થી ભાજપની મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિના સભ્ય હોવાનો દાવો કરે છે. તેમણે લડાકુ વિમાન રાફેલ ફાઈટર જેટ ડીલ અંગે 2018માં પીએમ નરેન્દ્ર મોદીને નિશાન બનાવતા નિવેદન બદલ કોંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીએ તેમને પાઠવવામાં આવેલા સમન્સને પડકારતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
રાહુલ ગાંધીની અરજી ફગાવી દેવાની માંગણી કરી હતી
ગયા મહિને હાઈકોર્ટની સિંગલ બેંચના ન્યાયાધીશ એસકે શિંદેએ સ્થાનિક કોર્ટને રાહુલ વિરુદ્ધ માનહાનિના કેસની સુનાવણી સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. મતલબ કે કોંગ્રેસ નેતાને નીચલી કોર્ટમાં હાજર થવાની જરૂર નથી. ગુરુવારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલ એફિડેવિટમાં શ્રી શ્રીમલે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. ભાજપ નેતાએ કહ્યું કે મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું અને તેમની સામેના ફોજદારી કેસની સુનાવણી શરૂ કરી હતી, કારણ કે મેં ગાંધી વિરુદ્ધ પ્રથમદર્શી કેસ કર્યો છે.
ફરિયાદી શ્રીશ્રીમાલે કહ્યું કે રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કથિત બદનક્ષીભરી ટિપ્પણીથી હું દુ:ખી છું. ગાંધીએ તેમની ટીપ્પણી દ્વારા એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે ભાજપ ચોરોની પાર્ટી છે અને વડાપ્રધાન તેના કમાન્ડર છે. તેમણે કહ્યું કે આ નિવેદનના કારણે મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કથિત રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. ફરિયાદ મુજબ ચાર દિવસ પછી ગાંધીએ કથિત રીતે એક વીડિયો પર ટિપ્પણી કરી અને તેને તેમના અંગત ટ્વિટર એકાઉન્ટ પર પણ પોસ્ટ કરી.
આ પણ વાંચો : Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા